પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય, 26 ઓગસ્ટથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં રમઝટ બોલાવશે

અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 73.25 ટકા જેટલો નોંધાઈ ચૂક્યો છે. જે પૈકી દક્ષિણ ગુજરાત પર મેઘરાજા વધારે મહેરબાન રહ્યા હોય, તેમ આ ઝોનમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 16 Aug 2026 12:00 AM (IST)Updated: Sun, 16 Aug 2026 12:00 AM (IST)
gujarat-rain-forecast-heavy-rainfall-expected-from-august-26-says-paresh-goswami-prediction

Paresh Goswami Rain Forecast: ગુજરાતમાં જુલાઈના અંતમાં ધોધમાર વરસાદના તોફારી રાઉન્ડ બાદ મેઘરાજા એકંદરે આરામ ફરમાવી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં ગુજરાત ઉપર સર્જાયેલી અસ્થિરતાના પગલે કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા જરૂર નોંધાયા છે, પરંતુ ભારે વરસાદ ક્યાંય નથી ખાબક્યો. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની પધરામણીના સંકેત આપ્યા છે.

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં હવામાનમાં પલટો આવશે

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે આવનારા દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર લાવી શકે છે. આ અસ્થિરતા ધીમે-ધીમે આગળ વધી રહી છે, પરંતુ આગામી 2-5 દિવસ સુધી તે સીધી ગુજરાત પર આવે તેવી શક્યતા ઓછી જણાય છે. આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ શકે છે. આથી 22 ઓગસ્ટ સુધી તો ગુજરાતમાં માત્ર છૂટાછવાયા ઝાપટાની જ શક્યતા છે.

વરસાદની ખેંચ ધરાવતા પશ્ચિમ સૌરાષ્ટ્રને તરબોળ કરી શકશે

જો કે 22 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જે પશ્ચિમ દિશામાં આગળ વધશે અને 25 ઓગસ્ટની આસપાસ મધ્ય પ્રદેશ સુધી પહોંચી જશે. જેના પરિણામે 26 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની વિધિવત શરૂઆત થઈ શકે છે. આ વરસાદી માહોલ લાંબો સમય ચાલે તેવી શક્યતા છે. એટલે કે 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી શકે છે.

આવનારી 26 ઓગસ્ટ બાદ આ મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થતી હોવાથી સમગ્ર રાજ્યને તેનો લાભ મળશે. ખાસ કરીને જે વિસ્તારોમાં વરસાદની ખેંચ છે, તેવા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ આ 12 દિવસમાં રાઉન્ડમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.


વધુમાં હવામાન નિષ્ણાંતે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ આગાહી મોડેલ આધારિત એક અનુમાન છે. જેમાં વરસાદી સિસ્ટમની દિશા મુજબ આવનારા દિવસોમાં ફેરફાર થઈ શકે છે. જો કે અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો, ઓગસ્ટ અંતનો સમયગાળો ગુજરાતમાં વરસાદની દ્રષ્ટિએ ઘણો પોઝિટિવ દેખાઈ રહ્યો છે.

દક્ષિણ ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ, પરંતુ સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક

ઓગસ્ટ મહિનો અડધો વીતી ચૂક્યો છે, ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 73.25 ટકા જેટલો નોંધાઈ ચૂક્યો છે. જે પૈકી દક્ષિણ ગુજરાત પર મેઘરાજા વધારે મહેરબાન રહ્યા હોય, તેમ આ ઝોનમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે.

હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રમાં સિઝનનો 100 ટકા વરસાદ શરૂઆતના એકાદ મહિનામાં જ ખાબકી જતો હતો. જ્યાં અત્યાર સુધીમાં 55.38 ટકા જ વરસાદ નોંધાયો છે. એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓમાં મેઘરાજા લાંબા સમયથી રિસાયા હોય તેમ અહીં માત્ર છૂટાછવાયા ઝાપટા જ વરસ્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં સિઝનનો 55.64 ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે.