Gujarat Monsoon Withdrawal: જૂન મહિનાના અંતમાં ચોમાસાના ગુજરાતમાં આગમન બાદ જુલાઈ મહિનાના આખરી સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, પરંતુ ઓગસ્ટ મહિનામાં મેઘરાજા રૂઠ્યા હોય તેમ છૂટાછવાયા ભાગોમાં હળવા ઝાપટા સિવાય ભારે વરસાદ નથી નોંધાયો.
શ્રાવણ માસ અડધાથી ઉપર વીતી ગયા બાદ હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે અલ નિનોની અસરથી સપ્ટેમ્બર મહિનામાં પણ ઓછા વરસાદની સંભાવના થઈ રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય પ્રક્રિયા અને આવનારા સમયમાં વરસાદને લઈને મહત્ત્વની માહિતી આપી છે.
આ વર્ષે દેશમાંથી ચોમાસું વહેલું વિદાય લઈ શકે છે
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે દેશમાં ચોમાસાની વિદાયની શરૂઆત 17 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચે રાજસ્થાન અને પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાંથી થતી હોય છે. જો કે આ વર્ષે રાજસ્થાનના ભાગોમાંથી આ પ્રક્રિયા થોડી વહેલી એટલે કે 15 સપ્ટેમ્બર આસપાસ શરૂ થવાની સંભાવના છે. જો કે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રાજસ્થાનથી ગુજરાત સુધી મોન્સૂન વિડ્રોલ પ્રોસેસને પહોંચતા ઘણો સમય લાગે છે.
ગુજરાતમાં ચોમાસાની વિદાયને વાર લાગશે
રાજ્યમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયાની શરૂઆત 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે થવાની સંભાવના છે. આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસની પ્રક્રિયા ધીમે-ધીમે આગળ વધશે અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂ થઈને દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને નવસારી સુધી પહોંચતા તેને ઘણો સમય લાગશે.
એક અંદાજ મુજબ ગુજરાતી માસ અને તહેવારોના હિસાબે જોઈએ, તો નવરાત્રિ દરમિયાન અથવા દશેરા આસપાસ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ શકે છે.
હજુ એક મહિનો મેઘાવી માહોલ રહેશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ આખો સપ્ટેમ્બર મહિનો તેમજ 10 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની આશા છે. ખાસ વાત એ છે કે, 11 ઓક્ટોબરથી નવરાત્રિ અને 20 ઓક્ટોબરે દશેરા આવી રહી છે, એટલે કહી શકાય કે નવરાત્રિ સુધી વરસાદ રહેશે.
ખાસ કરીને જ્યારે ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે ‘થંડરસ્ટોર્મ એક્ટિવિટી’ (ગાજવીજ સાથેનો વરસાદ) જોવા મળશે. જેમાં બપોર સુધી ગરમી અને તાપમાન ઊંચું ગયા બાદ બપોર પછીના સમયગાળામાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની પૂરી સંભાવનાઓ રહેલી છે.
ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ વરસશે
ગત વર્ષે ચોમાસાની સત્તાવાર વિદાય બાદ પણ દિવાળી પછીના સેશનમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો અને ઘણી જગ્યાએ 15 થી 20 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાકને ઇતિહાસનું સૌથી મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. જોકે આ વર્ષે પણ જો પાછળથી સારો વરસાદ પડે, તો જળાશયોમાં પાણીની આવક વધશે, જે પાણીની સમસ્યા હલ કરશે અને શિયાળુ પાકના વાવેતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
હાલમાં હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે કે, બંગાળની ખાડી સતત સક્રિય છે, જેના કારણે ઊભી થનારી વરસાદી સિસ્ટમો ગુજરાત તરફ આવે તો સારો વરસાદ મળી શકે છે. આ ઉપરાંત જ્યારે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ શરૂ થશે, ત્યારે જો અરબ સાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો તે તરફથી પણ ગુજરાતને વરસાદનો મોટો લાભ મળી શકે છે.
