Gujarat Monsoon Withdrawal: ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આગામી દિવસોમાં પવનની ઝડપમાં સામાન્ય વધારો થવા સાથે ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે.
ભેજવાળા પવનની ગતિમાં વધારો થશે
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધી પવનની ઝડપ 14 થી 16 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ સામાન્ય નોંધાઈ રહી હતી.
આ પણ વાંચો
જો કે હવે આજથી 30 સપ્ટેમ્બર દરમિયાન પવનની ઝડપમાં 2 થી 3 પોઈન્ટનો સામાન્ય વધારો થઈને તે 16 થી 18 કિલોમીટર અને કેટલાક સ્થળોએ 20 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. અત્યારે દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે
તાપમાન ઘટશે, પરંતુ બફારો અકળાવશે
પશ્ચિમના ભેજવાળા પવનોના કારણે તાપમાન ઘટશે. આમ છતાં ગરમી અને બફારામાં વધારો અનુભવાશે. પવનની ગતિ વધવાથી આકાશમાં હળવા વાદળો જોવા મળશે, જેના પરિણામે અગાઉ 32 થી 36 ડિગ્રી સેલ્સિયસ રહેતું મહત્તમ તાપમાન ઘટીને 32 થી 34 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં આવી જશે
ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નહી
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી થંડરસ્ટોર્મ એક્ટિવિટી (મંડાણી વરસાદ) હવે પૂર્ણ થઈ ગઈ છે. ક્યાંક એકલ-દોકલ સેન્ટરમાં સામાન્ય છાંટા પડે, તે સિવાય મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી.
નૈઋત્યના ચોમાસાએ ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ લીધી છે. આગામી ચાર દિવસમાં સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાય છતાં શિયાળાની શરૂઆત થવામાં હજુ 40 થી 45 દિવસ જેટલો સમય લાગી શકે છે.
