હાઉસિંગ બોર્ડના ફ્લેટધારકો માટે મોટા સમાચાર, હવે મળશે 'માલિકી હક'; શું છે રાજ્ય સરકારની નવી નીતિ અને તેના ફાયદા?

નવી નીતિ અનુસાર, ઈમ્પેક્ટ ફી ભરીને વધારાનું બાંધકામ પણ નિયમિત થશે, ફ્લેટમાં કરેલા વધારાના બાંધકામને પણ આ નીતિમાં આવરી લેવાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 14 Oct 2026 08:39 AM (IST)Updated: Wed, 14 Oct 2026 08:39 AM (IST)
gujarat-housing-board-flats-freehold-impact-fee-additional-construction-redevelopment-policy

Gujarat Housing Board News: ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે રાજ્ય સરકાર એક ખૂબ જ મોટો અને રાહતરૂપ નિર્ણય લેવા જઈ રહી છે. લાંબા સમયથી હાઉસિંગ બોર્ડના ફ્લેટમાં રહેતા નાગરિકો માટે 'માલિકી હક' અને જર્જરિત મકાનના રીડેવલપમેન્ટનો પ્રશ્ન પડકાર બન્યો હતો, જેનો હવે કાયમી ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી હાથ ધરી છે.

અગાઉ માત્ર ટેનામેન્ટ અને રો-હાઉસ માટે આવી યોજના હતી, પરંતુ હવે હાઉસિંગ બોર્ડના ફ્લેટધારકો પણ ખુદના ઘરના માલિક બનશે. વધુમાં, ફ્લેટધારકો જંત્રીના બમણા ભરીને ફ્લેટ ફ્રી-હોલ્ડ થઈ શકશે. આ નિર્ણયથી જૂના અને જર્જરિત ફ્લેટના રી-ડેવલપમેન્ટ માટેની તમામ અડચણો દૂર થશે.

ફ્લેટધારકો માટે નવી નીતિ અને કાયદેસર માલિકી

શહેરી વિકાસ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ એક નવી નીતિ અમલમાં મૂકવામાં આવશે. આ નીતિ હેઠળ, હાઉસિંગ બોર્ડના ફ્લેટધારકો પોતાના મકાનમાં કરેલા વધારાના બાંધકામ સહિતના ભાગને જંત્રીના નક્કી કરેલા ટકા જેટલી રકમ ભરીને સત્તાવાર રીતે 'ફ્રી-હોલ્ડ' કરાવી શકશે. આમ કરવાથી ફ્લેટધારકના નામે મકાનનો કાયદેસરનો દસ્તાવેજ થઈ શકશે અને તેઓ ખરા અર્થમાં પોતાના મકાનના માલિક બનશે.

કોને અને ક્યાં થશે સૌથી મોટો ફાયદો?

વર્તમાન અંદાજ મુજબ, સમગ્ર રાજ્યમાં હાઉસિંગ બોર્ડના અંદાજે 1,75,000 ફ્લેટ આવેલા છે. જેમાં એકલા અમદાવાદ શહેરમાં જ લગભગ એક લાખ જેટલા મકાન છે. અમદાવાદના સોલા, નારણપુરા, નવા વાડજ, ખોખરા, બાપુનગર અને અમરાઈવાડી જેવા અનેક વિસ્તારમાં વર્ષો જૂના હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે, જેમાંથી ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. આ નવી નીતિ અમલમાં આવવાથી આ તમામ વિસ્તારના લાખો મધ્યમવર્ગીય પરિવારોને સીધો લાભ મળશે.

જર્જરિત મકાનના રીડેવલપમેન્ટનો માર્ગ મોકળો

અગાઉ ફ્લેટના દસ્તાવેજ કે કાયદેસરની માલિકી ન હોવાને કારણે સોસાયટીઓ કે ફ્લેટધારકો ઈચ્છવા છતાં પણ પોતાના જર્જરિત મકાનોને રીડેવલપમેન્ટમાં મૂકી શકતા નહોતા. પરંતુ હવે માલિકી હક મળ્યા બાદ ફ્લેટધારકો પોતાની સોસાયટીના રહીશો સાથે મળીને સ્વેચ્છાએ કોઈ પણ બિલ્ડરને આ પ્રોજેક્ટ સોંપી શકશે. બિલ્ડર મારફતે કે જાતે જંત્રીની રકમ ભરાવીને આધુનિક અને સુરક્ષિત ફ્લેટનું નિર્માણ કરાવી શકાશે.

'ફ્રી-હોલ્ડ' એટલે શું? મકાન માલિકોને શું ફાયદો?

અત્યાર સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડના ફ્લેટ લીઝ હોલ્ડ પદ્ધતિ પર ચાલતા હતા, એટલે કે કાગળ પર મકાન સરકાર કે બોર્ડનું ગણાતું અને રહેવાવાળા માત્ર કબજેદાર હતા. ફ્રી-હોલ્ડ થવાથી મકાન સીધું રહેવાસીની માલિકીનું થઈ જશે.

  • કાયદેસર માલિકી હક:ફ્લેટધારક કાગળ પર પોતાના મકાનનો સત્તાવાર માલિક બનશે.
  • NOC ઝંઝટમાંથી મુક્તિ: ભવિષ્યમાં મકાન વેચાણ કે ટ્રાન્સફર વખતે બોર્ડની એનઓસી કે પરવાનગી લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.
  • બેંક લોન સરળ બનશે: અત્યાર સુધી દસ્તાવેજ કે સ્પષ્ટ માલિકી હક ન હોવાથી રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો હાઉસિંગ બોર્ડના આવા જૂના ફ્લેટ પર સરળતાથી હોમ લોન કે મોર્ગેજ લોન આપતી નહોતી. દસ્તાવેજ બન્યા બાદ મકાન કાયદેસરની પ્રોપર્ટી બનશે, જેથી જરૂર પડ્યે મિલકતના આધારે બેંકમાંથી સરળતાથી લોન અથવા ફંડ મેળવી શકાશે.