Gujarat High Court On Divorce: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું છે કે જો કોઈ ભારતીય દંપતીના લગ્ન હિંદુ મેરેજ એક્ટ હેઠળ થયા હોય, તો તેઓ વિદેશમાં છૂટાછેડા લઈ શકતા નથી. ભલે તેઓએ પાછળથી અન્ય દેશનું નાગરિકત્વ મેળવ્યું હોય, તેમના લગ્નને ભારતીય કાયદા મુજબ જ માન્યતા મળે છે અને છૂટાછેડા પણ ભારતીય કાયદા હેઠળ જ થઈ શકે.
મામલો શું હતો?
આ કેસ એક અમદાવાદના દંપતીનો છે, જેમણે 2008માં ભારતમાં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે બંને ભારતીય નાગરિક હતા. લગ્ન પછી તેઓ ઓસ્ટ્રેલિયા સ્થળાંતરિત થયા અને ત્યાં સ્થાયી થયા, જ્યાં પતિને ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મળ્યું.
જોકે, તેમના સંબંધોમાં કડવાશ આવતા, પતિએ સિડનીની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. પત્નીના વિરોધ છતાં સિડની કોર્ટે છૂટાછેડા મંજૂર કરી દીધા. સિડની કોર્ટના આ નિર્ણયને પત્નીએ અમદાવાદની ફેમિલી કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ફેમિલી કોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી. આથી, પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી.
હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
હાઇકોર્ટે અરજી પર સુનાવણી કરતાં એવું અવલોકન કર્યું કે ભલે દંપતીએ વિદેશી નાગરિકત્વ મેળવ્યું હોય, તેમના લગ્ન ભારતમાં હિંદુ વિધિથી થયા હોવાથી વિદેશી કાયદા મુજબ તેમના છૂટાછેડા કાયદેસર ગણી શકાય નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કોઈપણ દેશનું નાગરિકત્વ ધરાવતા દંપતી હોય, પરંતુ તેમના લગ્ન ભારતીય હિંદુ વિધિ મુજબ થયા હોય તો તેમના છૂટાછેડા માટે હિંદુ મેરેજ એક્ટ મુજબ જ કાર્યવાહી કરવી ફરજિયાત છે. આ ચુકાદાથી એવા ઘણા ભારતીય દંપતીઓ માટે સ્પષ્ટતા થઈ છે જેઓ વિદેશમાં સ્થાયી થયા છે અને તેમના લગ્ન સંબંધિત કાયદાકીય મામલાઓને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા હતા.