'ગઝવા-એ-હિન્દ' અને 'ભારત વિરુદ્ધ યુદ્ધ', શું હતો પાટણથી ઝડપાયેલા યુવકોનો પ્લાન? ગુજરાત ATSએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ગુજરાત ATS દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 21 Apr 2026 02:18 PM (IST)Updated: Tue, 21 Apr 2026 04:20 PM (IST)
gujarat-ats-arrests-two-youths-siddhpur-mumbai-what-is-anti-national-plan
HIGHLIGHTS
  • ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી થઈ
  • દેશવિરોધી પ્રવૃત્તિ કરતા યુવકો ઝડપાયા

Gujarat ATS Action: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા થકી દેશવિરોધી પ્રવૃત્તિઓ કરતા બે શખ્સોની ગુજરાત ATS ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ ભારતમાં હુમલાઓ કરવાનું, હથિયારો તથા ફંડ એકઠું કરવાનું અને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા.

કોણ છે પકડાયેલા આરોપીઓ?

ગુજરાત ATS દ્વારા પકડાયેલા બે આરોપીમાં પહેલો આરોપી 22 વર્ષીય ઇરફાન ખાન પઠાણ છે, જે પાટણના સિદ્ધપુરનો રહેવાસી છે. ઇરફાને મહેસાણાથી MSc કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે, અને તે હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બીજો આરોપી 21 વર્ષીય મુર્શિદ જહીદ અખ્તર શેખ મૂળ બિહારનો છે, અને તેણે 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. મુર્શિદ મુંબઈમાં પોતાના ભાઈ સાથે બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો.

સિદ્ધપુર-મુંબઈથી ઝડપાયા યુવકો

ગુજરાત ATS ટીમ દ્વારા બાતમીના આધારે 22 વર્ષીય ઇરફાન ખાન પઠાણની સિદ્ધપુરમાં અમૃતપાર્ક સોસાયટીમાં સ્થિત મકાનમાંથી તથા સ્થાનિક પોલીસની મદદથી મુર્શિદની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકોનો અગાઉનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. હાલમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 148 અને 61 હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

'ગઝવા-એ-હિન્દ' અને ISIS વિચારધારા

DySP વીરજીત સિંહ પરમારના નેતૃત્વ હેઠળ થયેલીતપાસમાં ખુલ્યું છે કે આ બંને યુવકો છેલ્લા 7 મહિનાથી વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ હતા. તેઓ 12-13 સભ્યોના એક અત્યંત ક્લોઝ ગ્રુપમાં જોડાયેલા હતા, જેમાં ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' (Ghazwa-e-Hind) સ્થાપવા અંગે ચર્ચાઓ ચાલતી હતી.

આ યુવકો ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ISIS જેવા કટ્ટરપંથી અને રેડિકલ સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત હતા. પોલીસ તપાસ મુજબ આ બંને યુવકોને કોઈ હેન્ડલર દ્વારા ઓપરેટ કરવામાં આવતા ન હતા, પરંતુ તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપૂર્ણપણે પોતાની જાતે જ 'સેલ્ફ-રેડિકલાઈઝ્ડ' થયા હતા.

હથિયારો, ફંડિંગ અને હુમલાનું ષડયંત્ર

આ આરોપીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં પોતાની વિચારધારા ધરાવતા લોકોને શોધીને ભેગા કરવા, અને એક સંગઠન બનાવવાનો હતો. તેઓ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે લોકો પાસે ફંડિંગ એકઠું કરવા અને હથિયારો જમા કરવાની ફિરાકમાં હતા. જોકે, તેઓ કોઈ જગ્યાની ફિઝિકલ રેકી કરે કે હુમલાના પ્લાનને અંતિમ સ્વરૂપ આપે તે પહેલાં જ ગુજરાત ATS દ્વારા તેમના બદઈરાદાને નાકામ કરવામાં આવ્યા છે.

વાંધાજનક પુરાવા-સાહિત્ય પણ મળ્યું

બંને આરોપી યુવકોના મોબાઈલમાંથી અનેક વાંધાજનક પુરાવા અને સાહિત્ય મળી આવ્યા છે. આ ગ્રુપમાં અન્ય કેટલા સભ્યો જોડાયેલા છે, અને કોની સામે એક્શન લેવા તે અંગે FSL અને ટેક્નિકલ એનાલિસિસ મારફતે ઊંડી તપાસ ચાલી રહી છે. ગુજરાત ATS ટીમના હાથે અત્યંત વાંધાજનક સાહિત્ય પણ લાગ્યું છે, જેની વધુ તપાસ ચાલુ છે.