Patan News: શૈક્ષણિક વર્ષ 2026-27 માટે અનુસ્નાતક કેન્દ્રો અંગે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કડક વલણ અપનાવાયુ છે. યુનિવર્સિટી દ્વારા અપાયેલા આદેશાનુસાર સંલગ્ન કોલેજોમાં ચાલતા પીજી સેન્ટરોએ હવે નવા વિદ્યાર્થીઓના પ્રવેશ પહેલા યુનિવર્સિટીની વહીવટી મંજૂરી લેવી પડશે. જો કોઈ પણ કોલેજ યુનિ.ની મંજૂરી વગર વિદ્યાર્થીને પ્રવેશ ફાળવશે તો તે વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહી.
HGNUએ પીજી કેન્દ્રો સામે દાખવી કડકાઈ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના નવા નિયમાનુસાર, કોઈ પણ સબ્જેક્ટના પીજી સેન્ટરમાં તે વિષયના ઓછામાં ઓછા 2 માન્યતા પ્રાપ્ત શિક્ષકો હોવા ફરજિયાત છે. યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે કોલેજો પાસે પૂરતો સ્ટાફ નથી. શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું પડશે.
કોલેજોએ યુનિં.માં વિગતો જમા કરાવવી પડશે
પીજી સેન્ટરોમાં નવા પ્રવેશને મંજૂરી આપવામાં આવશે નહી. જે અંગે યુનિ. સંલગ્ન કોલેજોએ નિયત ફોર્મેટમાં સ્ટાફની વિગતો અને માન્યતા પત્રોની કોપી યુનિવર્સિટીમાં જમા કરાવવી પડશે. ઉપરાંત કોલેજોમાં સ્ટાફ સહિતની સુવિધાને ચકાસીને યુનિવર્સિટી પીજી કેન્દ્રોમાં નવા વર્ષમાં પ્રવેશની મંજૂરી આપશે.
મંજૂરી વિના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે
હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીએ તમામ કોલેજોને પરીપત્ર જાહેર કરીને આદેશ આપ્યો છે કે, સંલગ્ન કોલેજોએ આગામી 30 એપ્રિલ 2026માં કેન્દ્રની વિસ્તૃત માહિતી યુનિવર્સિટીના વહીવટી વિભાગને મોકલી આપવા તાકીદ કરાઈ છે. જેમાં પ્રોફેસરોના નામ, નિવૃતિની તારીખ, માન્યતા પત્ર નંબર તેમજ ગયા વર્ષનાં પ્રવેશ સંખ્યાનો સમાવેશ કરવો પડશે. વિગતોની ચકાસણી પછી જ યુનિવર્સિટી વિદ્યાર્થીએના નવા પ્રવેશની મંજૂરી આપશે તેનો નિર્ણય લેશે.
