'તમામ પડકારો છતાં સંઘ અવિરત આગળ વધતો રહ્યો': RSS વિજયાદશમી ઉત્સવમાં દૈનિક જાગરણના એડિટર ઈન ચીફ સંજય ગુપ્તાનું સંબોધન

સંજય ગુપ્તાએ હિંદુ સમાજની એકતા અને આઝાદી પછી વ્યક્તિ નિર્માણ જેવા સંઘના મુખ્ય ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Oct 2026 09:37 AM (IST)Updated: Tue, 20 Oct 2026 10:42 AM (IST)
rss-vijayadashami-festival-2026-dainik-jagran-chief-editor-sanjay-gupta-speech-nagpur

RSS Vijayadashami Festival: દૈનિક જાગરણના એડિટર ઈન ચીફ સંજય ગુપ્તાએ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી કાર્યક્રમને સંબોધિત કરતા સૌને વિજયાદશમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી. પોતાના સંબોધનમાં સંજય ગુપ્તાએ હિંદુ સમાજની એકતા, રાષ્ટ્રની સ્વતંત્રતા અને આઝાદી પછી વ્યક્તિ નિર્માણ તથા રાષ્ટ્રીય નિષ્ઠા જેવા સંઘના મુખ્ય ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો હતો.

નાગપુરમાં આયોજીત આ કાર્યક્રમ દરમિયાન સંજય ગુપ્તાએ જણાવ્યું કે, 101 વર્ષ પહેલાં જ્યારે સંઘની સ્થાપના થઈ ત્યારે ભારત સ્વતંત્ર નહોતું અને તે સમયની સામાજિક પરિસ્થિતિઓ પણ ખૂબ જ અલગ હતી. તે સમયે સંઘ સ્થાપનાની મૂળ અવધારણા અને ઉદ્દેશ્ય હિંદુ સમાજમાં એકતા લાવી તેને સામર્થ્યવાન બનાવવાનો તેમજ રાષ્ટ્રને આઝાદી અપાવવાનો હતો.

સંજય ગુપ્તાએ વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તત્કાલીન ધારણા હતી કે સમાજને પરાધીનતાની માનસિકતામાંથી બહાર કાઢીને સ્વબોધ મેળવ્યા વિના વાસ્તવિક સ્વતંત્રતાની કલ્પના થઈ શકે નહીં. ભારત સ્વતંત્ર થયા બાદ સંઘે વ્યક્તિ નિર્માણની સાથે ભારતીયતા અને રાષ્ટ્રીય નિષ્ઠાને પોતાનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું હતું.

સંજય ગુપ્તાએ કહ્યું કે, આઝાદી પછી સત્તા પર રહેલા રાજકારણીઓ અને રાજકારણના એક વર્ગે સંઘની પવિત્ર વિચારધારાનો સ્વીકાર કર્યો ન હતો, કારણ કે સંઘની વિચારધારા તેમના તુષ્ટીકરણના એજન્ડા સાથે મેળ ખાતી ન હતી. આ તમામ પડકારો છતાં સંઘ પોતાના માર્ગ પર નિરંતર આગળ વધતો રહ્યો છે.

સંજય ગુપ્તાએ કહ્યું કે, ભારત ગણતંત્ર બનતાં જ સંઘના વિચારોથી પ્રેરિત થઈને શુદ્ધ ભારતીયતામાં વિશ્વાસ ધરાવતા અનેક રાજકારણીઓએ પોતાના વિચારો બદલ્યા અને રાષ્ટ્રનિષ્ઠ વિચારો સાથે મળીને જનસંઘની સ્થાપના કરી, જે પાછળથી ભારતીય જનતા પાર્ટી તરીકે વિકસીને આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે.