GSRTC Bus Fare Cut: મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ગત શુક્રવારે પેટ્રોલ-ડીઝલ અને CNG ના ભાવમાં વધારો થયો છે. જોકે, આ મોંઘવારી વચ્ચે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે (GSRTC) મુસાફરો માટે રાહતનો નિર્ણય લીધો છે. ST નિગમ દ્વારા અમુક પ્રીમિયમ વોલ્વો બસોના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને સાથે જ મુસાફરીના સમયમાં પણ મોટો કાપ મૂક્યો છે.
વોલ્વો બસના ભાડામાં ઘટાડો, કયા રૂટને ફાયદો?
ગુજરાત ST નિગમે મુખ્યત્વે અમદાવાદથી સુરત જતી વોલ્વો બસ અને અમદાવાદથી ભાવનગર જતી વોલ્વો બસના ભાડામાં રાહત આપી છે.
- અમદાવાદ-સુરત વોલ્વો બસ: અમદાવાદથી સુરત જતી વોલ્વો બસનું ભાડું અગાઉ 748 રૂપિયા હતું, જે ઘટાડીને હવે 687 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આનાથી સુરત જનારા મુસાફરોને ટિકિટ દીઠ 61 રૂપિયાનો સીધો ફાયદો થશે.
- અમદાવાદ-ભાવનગર વોલ્વો બસ: આ ઉપરાંત, અમદાવાદથી ભાવનગર રૂટની વોલ્વો બસના ભાડામાં પણ 15 રૂપિયાનો ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.
એક્સપ્રેસ-વે પર દોડશે ST બસ, સમયની બચત
ભાડામાં ઘટાડાની સાથે ગુજરાત ST નિગમે દિલ્હી-મુંબઈ અને અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે પર પ્રીમિયમ વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. એક્સપ્રેસ-વેના ઉપયોગથી સુરત અને ભાવનગર રૂટ પર મુસાફરીનો સમય 60 થી 90 મિનિટ જેટલો ઘટી જશે. અમદાવાદ-સુરત રૂટ પર દરરોજ સરેરાશ 12 હજારથી વધુ પેસેન્જર્સ મુસાફરી કરે છે, જેમને આ નિર્ણયનો સીધો લાભ મળશે.
કઈ કઈ જગ્યાએ ટ્રાફિક જામથી મળશે મુક્તિ?
અત્યાર સુધી અમદાવાદથી સુરત જતા મુસાફરોનો ઘણો સમય ભરૂચ-અંકલેશ્વરના ટ્રાફિકને કારણે બગડતો હતો. પરંતુ હવે એક્સપ્રેસ-વેનો ઉપયોગ કરવાથી 6 કલાકની મુસાફરી માત્ર ચારથી સાડા ચાર કલાકમાં પૂરી થઈ જશે.
તેવી જ રીતે, અમદાવાદથી ભાવનગર જતા મુસાફરોને બાવળા-ધંધુકા હાઇવે પર ટ્રાફિક નડતો હતો. હવે નવી બસો એક્સપ્રેસ રૂટ પરથી દોડતા ટ્રાફિકમાંથી મુક્તિ મળશે અને મુસાફરીનો સમય લગભગ 1 કલાક જેટલો ઘટી જશે. આમ, ગુજરાત એસ.ટી. નિગમે મુસાફરોને ઓછા ભાડા અને ઝડપી મુસાફરીની એમ બંને રીતે મોટી ભેટ આપી છે.
