Gandhinagar News: હું તને અમેરિકા મોકલીશ કહી માણસાની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી યુવકે 71.22 લાખ પડાવ્યા, ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળજબરી લગ્ન કર્યા

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 03 Jan 2024 06:07 PM (IST)Updated: Wed 03 Jan 2024 06:26 PM (IST)
gandhinagar-news-the-young-man-cheated-71-lakhs-by-having-a-love-relationship-with-the-girl-after-luring-her-to-send-her-to-america-260482

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના માણસામાં એક યુવતીના માતા-પિતા લંડનમાં રહેતા હોય અને યુવતીને વિદેશ જવાની ઇચ્છા હતી. એક યુવકે આ યુવતીને તેને હું અમેરિકા મોકલીશ કહી પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને ટૂકડે-ટૂકડે કરીને 65 લાખ રૂપિયા તથા 10 તોલા સોનાનું બિસ્કિટ મળી કુલ 71.22 લાખ રૂપિયા પડાવી લીધા હતા. યુવતીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ લઇ લીધા હતા. યુવતીએ આ રૂપિયા પરત માગતા જસ્મીન પટેલ નામના યુવકે અંગત ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બળજબરીથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ 71.22 લાખ પરત ન આપતા યુવતીએ માણસા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માણસાની 22 વર્ષીય યુવતીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છેકે, તે ફિઝીયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના માતા-પિતા છેલ્લા 14 વર્ષથી લંડનમા રહે છે. માતા-પિતા લંડનમાં રહેતા હોવાથી તે અવાર-નવાર કામ અમદાવાદ ખાતે રહેતા કાકાના ઘરે જતી હતી. જે દરમિયાન તેની મુલાકાત માણસાના પાટણપુરાના એક જસ્મીન પટેલ સાથે થઇ હતી. વાતચીત પ્રેમ સંબંધ સુધી પહોંચી હતી. જસ્મીને પોતાના માતા-પિતા અમેરિકામાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેમજ તારે અમેરિકા જવું હોય તો સારા કોન્ટેક્ટ હોવાનું ફરિયાદી યુવતીને કહ્યું હતું.

યુવતીને જસ્મીને પોતાના પ્રેમજાળમાં ફસાવી લીધી હતી અને તે અવાર-નવાર યુવતીના કાકાના ઘરે અને માણસા દાદાના ઘરે આવતો જતો હતો. જે દરમિયાન યુવતીને જાણ થઇ હતી કે જસ્મીન પરણીત છે. જેથી યુવતીએ જસ્મીન સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. જોકે થોડા સમય બાદ જસ્મીન ફરીથી માણસા ખાતે આ યુવતીને મળવા આવ્યો હતો અને તારે અમેરિકા જવું હોય તો મારા માતા-પિતા ત્યાં છે અને હાલ મારી સાથે અમેરિકા જનાર એજન્ટનો સંપર્ક થયો હોવાનું જણાવ્યું હતું. અમેરકિા જવા માટે તારે પૈસા આપવાની જરૂર નથી માત્ર બેન્ક બેલેન્સ બતાવવાનું તેમ જણાવ્યું હતું. તેમજ પોતે છૂટાછેડા લેવાનો હોવાનું કહી યુવતીને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

તેમજ યુવતીને આપણે લગ્ન કરી લઇશું તેમ જણાવી વિશ્વાસમાં લીધી હતી. યુવતી જસ્મીનની મોહામણી વાતોમાં આવી ગઇ હતી. માતા-પિતા દ્વારા લંડનથી ટૂકડે-ટૂકડે બે બેન્ક એકાઉન્ટમાં 65 લાખ રૂપિયા જેટલી રકમ મોકલી હતી. તેમજ એક બેન્ક લોકરમાં 10 તોલા સોનાનું બિસ્કિટી હોવાની વાત યુવતીએ જસ્મીનને જણાવી હતી. જસ્મીને 2021થી સપ્ટેમ્બર 2023 સુધીમાં ગુગલ પે, ફોન પે અને એટીએમથી ટૂકડે ટૂકડે પૈસા ઉપાડીને તથા યુવતીના ઘરમાં રહેલા 10 લાખ રોકડા મળી 65 લાખ જેટલી રકમ જસ્મીને યુવતી પાસેથી પડાવી લીધી હતી. તેમજ 2022માં 10 તોલા સોનાનું બિસ્કિટ પણ યુવતી પાસેથી લઇ ગયો હતો. યુવતીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બીજા કેટલાક કાગળોમાં યુવતીની સહીઓ પણ કરાવી હતી.

જસ્મીન અમેરિકા મોકલવા માટેની કોઇ પ્રોસેસ કરતો ન હોવાથી યુવતીએ તેની પાસેથી 65 લાખ રૂપિયા તથા 10 તોલા સોનાનું બિસ્કિટ પરત માગ્યું હતું. ત્યારે જસ્મીને તું લગ્ન પેપર્સમાં સહી કરીશ તો જ પૈસા, સોનું અને તારા ડોક્યુમેન્ટ તેને પાછા આપીશ. જો તું લગ્ન નહી કરે તો મારી સાથે પડાવેલા તારા ફોટા વાયરલ કરી દઇશ. તારી કોલેજમાં આ ફોટા ફરતા કરી દઇશ અને તારી કેરિયર બગાડી દઇશ તેવી ધમકી આપી હતી.

ધાક-ધમકીઓ આપી જસ્મીને અર્બન મ્યુ. હેલ્થ સેન્ટર અમદાવાદ ખાતે યુવતીને બોલાવી લગ્ન પેપર્સ પર સહીઓ કરાવી લીધી હતી અને લગ્ન જીવનનો હક્ક ભોગવ્યો હતો. પૈસા અને સોનાનું બિસ્કિટ પરત મળશે તેમ માની યુવતીએ કોઇ વિરોધ કર્યો ન હતો. પંરતુ જસ્મીને પરત ન હતા. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવા અંગેની જાણ યુવતીએ તેના ઘરે કરી હતી. જેથી જસ્મીને સમાજના વડીલો મારફતે જણાવ્યું હતું કે, જો તું મને છૂટાછેડા આપીશ તો તને 65 લાખ રૂપિયા અને સોનાનું બિસ્કિટ પરત આપી દઇશ.

જસ્મીને યુવતી પાસે ફરી લખાણ કરાવ્યું હતું અને તેમાં છૂટાછેડાની સાથે તમામ નાણાકીય લેવડ-દેવડ પૂરી થઇ ગઇ હોવાના સમજૂતી કરાર પર 19 ડિસેમ્બર 2023ના રોજ સહી કરાવી લીધી હતી. પરંતુ જસ્મીને 2021થી અત્યારસુધી કોઇ રકમ કે સોનાનું બિસ્કિટ પરત નહીં આપી છેતરપિંડી આચરતા આખરે યુવતીએ માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.