Ahmedabad DRI And ATS Raid: DRI અને ATS ના સંયુક્ત ઓપરેશનમાં લગભગ 88 કિલો સોનું, 19.66 કિલો રત્નજડિત જ્વેલરી, વિદેશી બ્રાન્ડની 11 લક્ઝરી ઘડિયાળ અને 1.37 કરોડ રોકડા પકડ્યા હતા. 22 કલાકે આ ઓપરેશન પૂરું થયું છે. 52 કિલો સોનું દાણચોરી મારફતે લવાયું હતું. 88 કિલો સોનામાંથી આ જથ્થા પર સ્વિત્ઝર્લેન્ડનો લોગો હતો.
પિતા-પુત્ર મહેન્દ્ર શાહ અને મેઘ શાહે શેરના ડબ્બા ટ્રેડિંગ, એન્ટ્રી ઓપરેટરોના સોદા સેટ કરવામાં અને દાણચોરીમાંથી આ કાળી કમાણી કરી હોવાનું મનાય છે. બેમાંથી એકેય હજી સુધી પકડાયા નથી. પિતા-પુત્રએ મોટા બિલ્ડરો અને વેપારીઓ પાસેથી રોકડમાં જ પૈસા લઈ ડબ્બા ટ્રેડિંગમાં સોદા પાડ્યા હતા અને પોતાના અંગત સોફ્ટવેરમાં ખરીદ-વેચાણની એન્ટ્રીઓ પાડી ઇન્કમ ટેક્સ થી માંડી સ્ટેમ્પ ડ્યૂટી સહિતની ચોરી કરી છે.
અમદાવાદ તેમજ મુંબઈ શેરબજારમાં રોકાણ કરનારા એન્ટ્રી ઓપરેટરોની એન્ટ્રીઓ આ બંને સેટ કરી આપતા હતા. દરોડા પડતા જ તમામ ઓપરેટરો છૂ મંતર થઈ ગયા છે. ડીઆરઆઈની ટીમે આ ઓપરેટરોની યાદી બનાવી તપાસ શરૂ કરી છે. બંને 10 થી 15 ટકા મિશન લઈ કાળું નાણું વ્હાઇટ કરવાનો ખેલ કરતા હતા. પાલડીના ઘરમાંથી ડીઆરઆઈ અને એટીએસની ટીમો ત્રણ મોટી પેટીમાં સોનું, જ્વેલરી અને રોકડ ભરીને લઈ ગયા હતા.
એટીએસની ટીમોએ પિતા-પુત્રને પકડવા મુંબઈ, દિલ્હી, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરી છે. જો કે, તેઓ વિદેશમાં ભાગી ગયા હોવાની શંકા છે. બંનેના વારંવાર વિદેશ પ્રવાસને જોતાં દાણચોરીનું રેકેટ હોવાનું પણ મનાય છે.
પાલડીના આવિષ્કાર ફ્લેટમાં મહેન્દ્ર શાહની દીકરી અને મેઘ શાહની બહેન ચોથા માળે રહે છે. તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તે કંઈ જાણતી ન હોવાનું કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે, આ ફ્લેટ તેણે જ ભાઈને ભાડે અપાવ્યો હતો, પરંતુ ઘરમાં આટલી રોકડ અને સોનું હશે તેનો કોઈ અંદાજ ન હતો.
મહેન્દ્ર શાહ અને મેઘ શાહ મોટા બિલ્ડરો અને જ્વેલર્સને વ્યાજે પૈસા ધીરવા ઉપરાંત શેરબજારની જેમ જ ડબા ટ્રેડિંગના વ્યવહારો કરતા હતા. પરંતુ સોદા તેમના અંગત સોફ્ટવેરમાં નાખતા હતા. ડબા ટ્રેડિંગમાં મોટાપાયે શેરના સોદા થતા હતા અને ગ્રાહકો વતી ખરીદી કરે તો શેરે 25થી 50 પૈસા વધારે બતાવતા હતા અને વેચે તો ઓછા બતાવતા હતા. આમ મોટી કટકી કાઢી લેતા હતા. આવા સોદા કરી તેમણે સ્ટેમ્પ ડ્યૂટી ટ્રાન્ઝેક્શન ટેક્સ સહિતના ટેક્સની પણ ચોરી કરી છે. ટ્રેડિંગના નફા-નુકસાનની લેવડ-દેવડ રોકડમાં થતી હતી.
ડબ્બા ટ્રેડિંગ, એન્ટ્રી, ઓપરેટરો સાથે સેટિંગ અને દાણચોરીમાં સંડોવાયેલા મેઘ શાહની જીવનશૈલી ખૂબ વૈભવી છે. મુંબઈના પોશ વિસ્તારમાં તાજેતરમાં જ તેણે એક વૈભવી ફ્લેટ ખરીદ્યો હતો. આ ઉપરાંત કાળા-ધોળાના કમિશન પેટે મળતા પૈસાનું દુબઈમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં આવેલા બંધ ફલેટમાં કરોડો રૂપિયાનું સોનુ - દાગીના હોવાની વાત પોલીસની સાથે ચોરોને પણ ખબર પડી હતી. 3-4 દિવસ પહેલા મોડી રાતે ચોર ટોળકી કટર લઈને મેઘ મહેન્દ્ર શાહના આ ફ્લેટમાં ચોરી કરવા આવી હતી. પરંતુ રહીશોને અવાજ આવી જતાં બૂમાબૂમ થઈ અને ચોર ભાગી ગયા હતા. એટીએસના અધિકારીઓ જ્યારે આવિષ્કાર એપાર્ટમેન્ટના રહીશો સાથે વાતો કરી રહ્યા હતા. ત્યારે તેમને વાત વાતમાં જાણવા મળ્યું હતું કે 3 - 4 દિવસ પહેલા રાતના સમયે તેમના એપાર્ટમેન્ટના એક ફલેટનું તાળું કટરથી તોડવામાં આવી રહ્યું હોય તેવો અવાજ આવતો હતો. અવાજ સાંભળીને રહીશો જાગી ગયા હતા અને બૂમ પાડતા 2 - 3 માણસો એપાર્ટમેન્ટમાંથી ભાગ્યા હતા. જો કે આ ચોર કયા ઘરનું તાળું તોડવા આવ્યા હતા તે વિશે કોઈ કશું જાણતું ન હતું. પરંતુ એપાર્ટમેન્ટમાં મેઘ શાહનું એક માત્ર ઘર બંધ હોવાની ચર્ચા હતી. આ વાત સાંભળીને એટીએસના અધિકારીઓમાં પણ રમૂજમાં ચર્ચા કરતા હતા કે, તાળું ખૂલ્યું હોત તો ચોરોને તડાકો પડ્યો હોત.