Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજની કોન્સર્ટમાં (Diljit Dosanjh Ahmedabad Concert) યુવાધન હિલોળે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જો કે કોન્સર્ટ શરૂ થયા પહેલા જ ચંદીગઢના પ્રોફેસરે દિલજીતને ચાર ગીતો પર પરફોર્મ કરવાને લઈને હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ચેતવણી આપી હતી. દિલજીતે પોતાની લાઈવ કોન્સર્ટમાં જ વિરોધીઓને જવાબ આપ્યો હતો।
હકીકતમાં ચંદીગઢના એક પ્રોફેસરે દિલજીત દોસાંજના પટીયાલા પેગ સહિતના ચાર ગીતો પર પરફોર્મ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. પ્રોફેસરની દલીલ હતી કે, દિલજીતના કેટલાક ગીતો દારૂ, ડ્રગ્સ અને ગન કલ્ચરને પ્રોત્સાહિત કરે છે, જેની બાળકોના મગજ પર નકારાત્મક અસર થઈ શકે છે. આથી આવા ગીતો પર પરફોર્મ કરવાનું ટાળવું જોઈએ. આમ છતાં જો દિલજીત પરફોર્મ કરશે, તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે.
'ચાર પેગ' ગીત ગાઈને કોન્સર્ટની શરૂઆત કરીને વિરોધીઓને આપ્યો જવાબ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોન્સર્ટ શરૂ થતાં જ દિલજીત દોસાંજે 'ચાર પેગ' ગીત ગાઈને પોતાના વિરોધીઓને રોકડું પરખાવ્યું હતુ. આ સાથે જ દિલજીતે વિદેશી અને ભારતીય કલાકારો સાથે થઈ રહેલા વ્યહાર પર સવાલ ઉઠાવતા ગત વર્ષે આયોજિત બ્રિટિશ બેન્ડ કોલ્ડ પ્લેનો ઉલ્લેખ કર્યો હતો.
દિલજીતે જણાવ્યું કે, કોલ્ડ પ્લેના વિદેશી કલાકાર 'ડ્રન્ક એન્ડ હાઈ' ગાય છે, તો કોઈને વાંધો નથી, પરંતુ મારા ગીતો પર જ સવાલ ઉઠાવવામાં આવે છે. અરે મારો જન્મ પણ હોનાલુલુમાં નહીં, ભારતમાં જ થયો છે. હું લાઈવ કોન્સર્ટ કરું છું, ટેક્સ ભરું છું. મને છંછેડશો નહીં, નહીંતર હું જવાબ આપીશ.
હું બાળકોને મારા ઘરેથી લઈને નથી આવતો
આ સાથે જ દિલજીત દોસાંજે પંજાબીમાં એક શેર પણ સંભળાવ્યો હતો. જેનો ગુજરાતીમાં ભાવાર્થ કંઈક આ પ્રમાણે થાય છે. 'જે થવાનું છે, તે થઈને જ રહશે અને તેને કોઈ રોકી નહી શકે'. દિલજીતે 'તું મુજે કબુલ' ગાતા જ ફેન્સ રીતસરના ઝૂમી ઉઠ્યા હતા અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોબાઈલની ફ્લેશ લાઈટથી ઝળહળી ઉઠ્યું હતુ.
કોન્સર્ટ દરમિયાન બાળકો સાથે વાતચીત કરવા અને તેમને સ્ટેજ પર બોલાવવા અંગે ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા પંજાબી ગાયકે જણાવ્યું કે, હું બાળકોને મારા ઘરેથી લઈને નથી આવતો, પરંતુ તેમના માતા-પિતા જ બાળકોને કોન્સર્ટમાં લઈને આવે છે. જે બાદ દિલજીતે પોતાના જે ગીતોને લઈને વિરોધ થઈ રહ્યો હતો, તે ગીતો પર પરફોર્મ કર્યું હતુ.
