ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. આજની સ્થિતિ અનુસાર વાવાઝોડું કચ્છના માંડવી પાસે લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે. તંત્ર પણ એલર્ટ મોડમાં મુકાયું છે. સંભવિત વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 14 અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમા ભારે વરસાદની આગાહી
- કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને મોરબી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
- 14મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
- 15મી જૂને જૂનાગઢ, રાજકોટ, મોરબી અને પોરબંદરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
પવન ચેતવણી
- સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી અને દેવભૂમિ દ્વારકા તથા કચ્છમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. 11 જૂનના રોજ તોફાની પવનની ઝડપ 40-50 kmphથી 60 kmph જ્યારે 12 જૂનના રોજ 45-55 kmph થી 65 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 13 જૂન અને 14 જૂનના રોજ 50-60 kmph થી 70 kmphની ઝડપે પવન ફૂંકાશે.
- 14 જૂને સાંજ પછી તોફાની પવનોની ગતિમાં વધારો થઇ શકે છે. તોફાની પવનોની ઝડપ 14મી જૂને સાંજે 65-75 kmph થી 85 kmph હશે, જેમાં સાંજ પછી વધારો થશે અને 15મી જૂને સવાર સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક તટીય વિસ્તારમાં 120-130 kmphથી 145 kmph ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વાવાઝોડાની ચેતવણી
- વાવાઝોડું લેન્ડફોલ કરશે તે દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના છે.
- 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં નુકસાન થવાની શક્યતા છે. વાવાઝોડાના પગલે વીજળી, રેલવે લાઇન ખોરવાઈ શકે છે. ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન પહોંચી શકે છે. કાચા-પાકા મકાનોને નુકસાન થઇ શકે છે. અનેક સ્થળે ઝાડ પડવાની ઘટના પણ બની શકે છે. વિઝેબિલિટી પણ ઘટી શકે છે.
શાળા પ્રેવશોત્સવ હાલ પૂરતો મોકૂફ
રાજ્યમાં બિપારજોય વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરીયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસો એ યોજાશે.