Nyay Yatra Route In Gujarat: આવતીકાલ 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાઃ મોરબીથી ગાંધીનગર સુધીની યાત્રાનો જાણો સમગ્ર રૂટ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Aug 2024 11:23 AM (IST)Updated: Thu, 08 Aug 2024 11:23 AM (IST)
congress-leader-rahul-gandhi-to-start-nyay-yatra-from-august-9-check-morbi-to-gandhinagar-route-duration-and-other-details

Nyay Yatra Route In Gujarat: રાજ્યમાં દોષિતોને સજા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આવતીકાલે 9 ઓગસ્ટથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવનારી છે. આ યાત્રાનો પ્રારંભ મોરબીથી થશે. જેમાં પીડિત પરિવારોજનો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાશે. કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબી - ટંકારા - રાજકોટ - ચોટીલા - સુરેન્દ્રનગર - વિરમગામ - સાણંદ - અમદાવાદથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે સમાપન થશે. ગુજરાત ન્યાય યાત્રામાં કોંગ્રેસ પક્ષના હોદેદારો, આગેવાનો, પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાશે.

કોંગ્રેસની ન્યાય યાત્રાનો રૂટ
9 ઓગસ્ટના રોજ સવારે મોરબીના દરબાર ગઢથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. મોરબીથી ટંકારા પહોંચશે. 10 ઓગસ્ટના રોજ ટંકારાથી યાત્રા રતનપર પહોંચશે. રતનપરમાં રોકાણ બાદ યાત્રા રાજકોટ તરફ પ્રયાણ કરશે અને 11 ઓગસ્ટના રોજ રાજકોટ પહોંચશે. રાજકોટમાં રોકાણ બાદ 12 ઓગસ્ટના રોજ રાજકોટના મહત્વના વિસ્તારમાં ન્યાય યાત્રા ફરશે. ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા થશે. ત્યારબાદ યાત્રા બેટી-કુવાડવા પહોંચશે.

13 ઓગસ્ટના રોજ યાત્રા કુવાડવાથી પ્રયાણ કરશે અને ચોટીલા પહોંચશે. 14 ઓગસ્ટના રોજ યાત્રા ચોટીલાથી ડોળીયા પહોંચશે. ડોળીયામાં રાત્રી રોકાણ કર્યા બાદ યાત્રા મૂળી તરફ પ્રયાણ કરશે. 15 ઓગસ્ટના રોજ યાત્રા ડોળીયાથી મૂળી પહોંચશે અને 16 ઓગસ્ટના રોજ મૂળીથી સુરેન્દ્રનગર પહોંચશે. 17 ઓગસ્ટે યાત્રા સુરેન્દ્રનગરથી લખતર પહોંચશે. 18 ઓગસ્ટે લખતરથી છારદ અને 19 ઓગસ્ટે છારદથી વિરમગામ પહોંચશે.

વિરમગામમાં રાત્રી રોકાણ બાદ યાત્રા 20 ઓગસ્ટના રોજ છારોડી ખાતે પહોંચશે. 21 ઓગસ્ટે યાત્રા છારોડીથી શાંતિપુરા અને 22 ઓગસ્ટે શાંતિપુરાથી ચાંદખેડા પહોંચશે. ચાંદખેડામાં રાત્રી રોકાણ બાદ યાત્રા 23 ઓગસ્ટના રોજ ચાંદખેડાથી ગાંધીનગર પહોંચશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ ન્યાય યાત્રાનું ક્યાંય પણ ઢોલ નગારાથી સ્વાગત કરવામાં આવશે નહીં. ફકત સૂતરની આટીથી જ સ્વાગત કરાશે.

સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોરબીથી તારીખ 9 ઓગસ્ટથી શરૂ થતી ગુજરાત ન્યાય યાત્રામાં ત્રણ પ્રકારના યાત્રિકો હશે. એક ન્યાય યાત્રીઓ કે જેઓ ન્યાયયાત્રાના આરંભથી સમાપન સુધી સાથે જોડાયેલા રહેશે જે સતત 15 દિવસ સુધી પદયાત્રામાં રહેશે. પદયાત્રામાં 100 પદયાત્રીઓ કાયમી સાથે રહેશે. બીજા પદયાત્રી જેઓ જિલ્લાના ન્યાયાત્રીઓ જે પાંચથી સાત કલાક પૂરતા અને જે તે જિલ્લામાં પદયાત્રીઓ આવશે. ત્રીજા પ્રકારના સહયાત્રીઓ એ સહકાર યાત્રીઓ જ્યારે જોડાવું હોય ત્યારે જોડાઈ શકે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી શકે એ પ્રકારના પદયાત્રિકો રહેશે.