Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રેનોની ગતિશીલતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોના સમયપાલન (Punctuality)માં સુધારો કરવાના હેતુથી સાબરમતીથી મહેસાણા વચ્ચે દોડતી ત્રણ મુખ્ય ટ્રેનોના સમયમાં આંશિક ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બદલાવ 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. આ ચારેય ટ્રેનોના સમયમાં સાબરમતીથી મહેસાણા વચ્ચેના સ્ટેશનો પર ટ્રેનોના રોકાણ અને પ્રસ્થાનના સમથમાં આંશિક ફેરફાર કરાયો છે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા અને સમયસર સેવા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.
ટ્રેનોના બદલાયેલા સમયની વિગતવાર માહિતી:
સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (12462)
રાજ્યની પ્રતિષ્ઠિત વંદે ભારત એક્સપ્રેસ હવે સાબરમતીથી તેના નિર્ધારિત સમય સાંજે 4:45ને બદલે 10 મિનિટ મોડી એટલે કે 4:55 વાગ્યે ઉપડશે. આ ટ્રેન મહેસાણા સ્ટેશને સાંજે 5:38 વાગ્યે પહોંચશે અને 5:40 વાગ્યે આગળ રવાના થશે.
સાબરમતી–આગ્રા કૅન્ટ / ગ્વાલિયર એક્સપ્રેસ (12548/22548)
સાબરમતીથી આગ્રા અને ગ્વાલિયર જતી આ એક્સપ્રેસ ટ્રેનો હવે સાંજે 4:55ના બદલે 5:00 વાગ્યે પ્રસ્થાન કરશે. મહેસાણા સ્ટેશન પર આ ટ્રેનનો નવો સમય 5:47 (આગમન) અને 5:49 (પ્રસ્થાન) રહેશે.
સાબરમતી–મહેસાણા ડેમુ (79431)
લોકલ મુસાફરો માટેની ડેમુ ટ્રેન પણ હવે 5 મિનિટ મોડી એટલે કે સાંજે 5:10 વાગ્યે સાબરમતીથી ઉપડશે. આ ટ્રેન વચ્ચેના તમામ નાના સ્ટેશનો પર નીચે મુજબના નવા સમયે પહોંચશે:
આ ટ્રેન ચાંદખેડા સ્ટેશન પર સાંજે 5:16ને બદલે 5:17 કલાકે, ખોડિયાર સ્ટેશન પર સાંજે 5:22 ને બદલે 5:23 કલાકે, ક્લોલ સ્ટેશન પર સાંજે 5:32 ને બદલે 5:33 કલાકે, ઝુલાસણ સ્ટેશન પર સાંજે 5:42 ને બદલે 5:43 કલાકે, ડાંગરવા સ્ટેશન પર સાંજે 5:50 ને બદલે 5:51 કલાકે, આંબલિયાસણ સ્ટેશન પર સાંજે 5:57 ને બદલે 5:58 કલાકે, જગુદણ સ્ટેશન પર સાંજે 6:06 ને બદલે 6:07 કલાકે અને મહેસાણા સ્ટેશન પર 6:28 કલાકે આવશે.
વધારાની સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત
- મુસાફરોની વધતી જતી માંગ અને ભીડને પહોંચી વળવા રેલવે દ્વારા નીચે મુજબની વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે:
- સાબરમતી-બિકાનેર સ્પેશિયલ: 30 જાન્યુઆરીના રોજ દોડશે.
- પોરબંદર-જોધપુર સ્પેશિયલ: 1 ફેબ્રુઆરીના રોજ દોડશે.
મુસાફરો માટે સૂચના
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા નવા સમયપત્રકની ખાસ નોંધ લે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય અંગેની વધુ સચોટ માહિતી માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES એપનો ઉપયોગ કરવા જણાવાયું છે.
