Biporjoy Cyclone: અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિશાળી બિપોરજોય વાવાઝોડાને લઈને સરકાર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવામાં ભારતીય સેનાએ પણ વાવાઝોડા બિપોરજોયના ગુજરાતના કાંઠે ટકરાયા બાદ સ્થાનિક લોકોની મદદ કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે. જે અંતર્ગત ભૂજ, ગાંધીધામ, જામનગર, દ્વારકા અને અમરેલી જિલ્લામાં પૂર રાહત કોલમનું રિહર્સલ કરવામાં આવ્યું હતુ. આમ સેનાને આવનારી કોઈ પણ સમસ્યા માટે તૈયાર રાખવામાં આવી છે.
ભારતીય સેનાના અધિકારીઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને NDRF દ્વારા સંયુક્ત રીતે રાહત કાર્યની યોજના બનાવવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારતીય સેનાના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો અને સંકટના સમયે મદદ કરવાનું વચન આપ્યું હતુ.

ગુજરાત સરકારે આ સંભાવિત ખતરા સમયે જરૂર જણાય તો એરફોર્સ કોસ્ટ ગાર્ડ, નેવી અને આર્મીની મદદ મળી રહે તે માટે સંકલન કર્યું છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે, ત્યાં લોકોની સલામતી અને જરૂર જણાયે બચાવ રાહત માટે NDRFની 15 ટીમ પૈકી 7 ટીમો રાજકોટ, કચ્છ, મોરબી, જામનગર અને દ્વારકામાં ડિપ્લોય કરવામાં આવી છે. જ્યારે અન્ય ટીમો વડોદરામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. આવી જ રીતે SDRFની 12 ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, બિપોરજોય વાવાઝોડુ 15 જૂનની સાંજે સૌરાષ્ટ્ર-કચ્છ અને પાકિસ્તાનના કાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડાના ખતરાને જોતા ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આટલું જ નહીં, અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.