Chiloda Analog Paneer: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેટલાક વેપારીઓ પનીરની આડમાં એનાલોગ (Analog) પધરાવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે નાના ચિલોડા વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 'વ્રજ ડેરી' નામના એકમ પર દરોડા પાડીને 24 હજાર રૂપિયાની કિંમતનો 100 કિલો એનાલોગનો જથ્થો જપ્ત કર્યો છે.
'અહીં એનાલોગ પનીર વેચાય છે'
આ પણ વાંચો
અમદાવાદ મનપાની તપાસ દરમિયાન સામે આવ્યું કે, આ એકમ દ્વારા જાહેરમાં 'અહીં એનાલોગ પનીર વેચાય છે' તેવું લખાણ લખવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટીના નિયમો મુજબ, એનાલોગનું ઉત્પાદન કરતી વખતે કે વેચતી વખતે તેને કોઈપણ સંજોગોમાં 'પનીર' તરીકે ઓળખાવી શકાતું નથી. એનાલોગ પનીરનું ઉત્પાદન ગેરકાયદેસર નથી, અને તેનો સમાવેશ નોન-ડેરી પ્રોડક્ટમાં થાય છે. પરંતુ ગ્રાહકો સમક્ષ તેને 'પનીર' તરીકે ન દર્શાવી શકાય અને તેને સ્પષ્ટપણે એનાલોગ જ કહેવું પડે છે.
અગાઉ 244 કિલો જથ્થો પકડાયો હતો
ફૂડ વિભાગની આ કાર્યવાહી કોઈ પહેલી ઘટના નથી. થોડા દિવસ અગાઉ જ અમદાવાદ મનપાની ટીમે ગોતા વિસ્તારની શ્રી ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડાની રાધે ડેરીમાંથી 104 કિલો મળીને કુલ 244 કિલો એનાલોગનો જથ્થો જપ્ત કર્યો હતો. એનાલોગને પનીરના નામે વેચવા બદલ આ બંને ડેરીઓને સીલ કરી દેવામાં આવી હતી.
હાર્ટ એટેક અને ગંભીર રોગોનું જોખમ
બજારમાં સસ્તા ભાવે પનીરના નામે વેચાતું આ એનાલોગ વાસ્તવમાં દૂધમાંથી બનતું જ નથી. સિનિયર ગેસ્ટ્રો સર્જન ડો. અવિનાશ ટાંકના જણાવ્યા અનુસાર, એનાલોગ પનીર પામ અને અન્ય ઓઇલમાંથી બને છે, જેમાં સેચ્યુરેટેડ ઓઇલ હોવાથી લાંબેગાળે હૃદયની નળીઓમાં ફેટ જમા થાય છે, અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.
- ગંભીર બીમારી: એનાલોગ પનીરમાં ફેટનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતા જેવી સમસ્યા વધે છે.
- પેટના રોગો: આ નકલી પનીર ખાવાથી ગેસ, કબજિયાત અને આંતરડામાં ચાંદા પડવાની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.
નાગરિકોએ ડેરી પ્રોડક્ટ્સ, ખાસ કરીને પનીરની ખરીદી કરતી વખતે તે અસલી છે કે એનાલોગ, તેની પૂરેપૂરી ચકાસણી કરવી સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. સાથે જ વેપારીઓને પણ દૂધમાંથી બનતા પનીર અને એનાલોગ પનીરની માહિતી આપવા અંગે સૂચનો આપવામાં આવ્યા છે.
