Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતની સુરક્ષા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે શહેરના ગોતા વિસ્તારમાંથી નકલી સોસ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. જ્યાં ટામેટા વિના જ ટોમેટો સોસ બનાવવામાં આવતો હતો.
AMCના ફૂડ વિભાગની ટીમે ગોતા સ્થિત મેલડી એસ્ટેટમાં આવેલ 'આઈ શ્રી ખોડિયાર ગૃહ ઉદ્યોગ' નામના એકમમાં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન વ્યાપક અનિયમિતતા સામે આવતા ફેક્ટરીને સીલ મારી દેવામાં આવ્યું છે.
Gandhinagar: સાંતેજ GIDCમાં ફેક્ટરીમાં ભીષણ આગથી શ્રમિકોમાં દોડધામ, ફાયર વિભાગે મેજર કૉલ જાહેર કર્યો
ટામેટાં વગરનો 'ટોમેટો સોસ': બટાકા, કલર અને કેમિકલથી બનાવટ
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં એકમમાં જે પ્રોડક્ટ તૈયાર થતી હતી, તે દેખાવમાં આબેહૂબ ટોમેટો સૉસ જેવી લાગતી હતી. જો કે તેને બનાવવામાં ટામેટાનો ઉપયોગ નહતો કરવામાં આવતો. આ નકલી સોસ બનાવવા માટે પાણી, ખાંડ, સ્ટાર્ચ પાવડર, બટાકા, મીઠું, સિન્થેટિક કલર, એસિટિક એસિડ જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જે બાદ મનપા દ્વારા એકમને સીલ કરીને નકલી સોસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતામાં કાચા માલનો 10,630 કિગ્રા જથ્થો (રૂ. 4.20 લાખ) જપ્ત કર્યો છે. આ સાથે જ સોસના સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ એકમમાં 'R.K. Fruit Cordial, fruits squash' સોસ, ચટણી અને શરબત જેવી ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવતી હતી. ફૂડ વિભાગ દ્વારા લેબોરેટરી ચકાસણી અર્થે 5 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાં સ્ટાર્ચ પાવડર, સિન્થેટિક ફૂડ કલર, બટાકાની પેસ્ટ, ટોમેટો પેસ્ટ તરીકે દર્શાવાતું ઉત્પાદન અને ફ્રુટ સ્ક્વોશનો સમાવેશ થાય છે
ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી ભ્રામક રજૂઆત બદલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અંતર્ગત આ પ્રોડક્ટને "મિસ બ્રાન્ડેડ ફૂડ" ગણવામાં આવ્યું છે. પેકેજિંગ અને લેબલિંગ નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે. આ ઉપરાંત, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લેબલિંગ એન્ડ ડિસ્પ્લે) રેગ્યુલેશન્સ, 2020ની જોગવાઈઓ મુજબ પણ પગલાં લેવાશે. નિયત કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ એકમનું FSSAI લાયસન્સ રદ્દ કરવામાં આવશે
