Ahmedabad: નિકોલમાં AMC ફૂડ વિભાગની રેડ, લાયસન્સ વગર ચાલતું યુનિટ ઝડપાયું; 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત

નકલી ઘી 'મંગલમૂર્તિ ગાયનું ઘી' બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં વેચાતું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 24 Apr 2026 09:58 AM (IST)Updated: Fri, 24 Apr 2026 09:58 AM (IST)
amc-food-department-raids-in-nikol-fake-duplicate-ghee-seized-ahmedabad
HIGHLIGHTS
  • નિકોલમાં AMC ફૂડ વિભાગના દરોડા
  • અંદાજે 400 કિલો નકલી ઘી ઝડપાયું

Ahmedabad fake ghee: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. AMC ફૂડ વિભાગે નિકોલ વિસ્તારમાં દરોડા પાડી એક રહેણાંક મકાનમાં લાયસન્સ વગર ચાલતું એકમ ઝડપી પાડ્યું છે. અહીં વેજીટેબલ ફેટ અને પામોલીન તેલના મિશ્રણથી બનેલ આશરે 400 કિલો ભેળસેળિયું ઘી જપ્ત કરી FSSAI કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

રોયલ બંગ્લોઝમાં ધમધમતું ગેરકાયદે યુનિટ

AMC હેલ્થ વિભાગને બાતમી મળી હતી કે, નિકોલની ચિત્રકૂટ આવાસ યોજના પાસે આવેલા રોયલ બંગ્લોઝના એક મકાનમાં ડુપ્લીકેટ ઘીનું ગેરકાયદેસર ઉત્પાદન થઈ રહ્યું છે. આ માહિતીના આધારે ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા ત્યારે જાણવા મળ્યું કે, કોઈપણ પ્રકારના રજીસ્ટ્રેશન કે FSSAI લાયસન્સ વિના આ એકમ ચાલી રહ્યું હતું. વધુમાં, અહીં અહીં ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવતું હતું.

naidunia_image

'મંગલમૂર્તિ ગાયનું ઘી' નામે વેચ્યું ભેળસેળિયું ઘી

આ નકલી ઘીને 'મંગલમૂર્તિ ગાયનું ઘી' બ્રાન્ડના નામે પેકિંગ કરીને બજારમાં વેચતા હતા. તપાસમાં ખુલ્યું છે કે, ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે પેકિંગ પર કઠવાડા વેદ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-2 સ્થિત 'મુરલીધર ફૂડ પ્રોડક્ટ્સ' મેન્યુફેક્ચરર તરીકે ખોટી વિગતો પણ દર્શાવી હતી. એટલું જ નહીં, પેકેટ પર જે લાયસન્સ નંબર પ્રિન્ટ કરવામાં આવ્યો હતો તેની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી હતી.

400 કિલોગ્રામ ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત

ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી 500 ગ્રામ અને 100 ml જારમાં ભરેલો અંદાજે રૂપિયા 1.60 લાખની કિંમતનો 400 કિલોગ્રામ ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત 500 કિલો ખાલી જાર, લેબલો, પેકિંગના સાધનો, ગેસ સિલિન્ડર અને ઘી બનાવવા માટે વપરાતા મોટા તપેલા સહિતના તમામ સાધનોને સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યા છે.

નકલી ઘીના સપ્લાય અંગે વધુ તપાસ શરૂ

ફૂડ વિભાગે આ ડુપ્લીકેટ ઘીના નમૂના લઈને તેને વધુ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. અમદાવાદ મનપાના હેલ્થ વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ એકમ કે વ્યક્તિ સામે FSSAI અને GPMC એક્ટ હેઠળ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. આ ભેળસેળિયું ઘી બજારમાં ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવ્યું હતું તે અંગે હાલ વધુ સઘન તપાસ ચાલી રહી છે.