અમદાવાદ-દિલ્હી ટ્રેનોની ઝડપ વધશે, મુસાફરીના સમયમાં મોટી બચત; જાણો શું છે પશ્ચિમ રેલવેનું ‘મિશન 130’

અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 24 Apr 2026 08:28 AM (IST)Updated: Fri, 24 Apr 2026 08:28 AM (IST)
ahmedabad-delhi-train-travel-time-reduced-western-railway-mission-130
HIGHLIGHTS
  • પશ્ચિમ રેલવે દ્વારા 'મિશન 130'
  • ટ્રેનો 130 કિમીની ઝડપે દોડશે
  • મુસાફરીના અઢી કલાક બચશે

Western Railway Mission 130: પશ્ચિમ રેલવે દ્વારા 'મિશન 130' હેઠળ અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં જ અમદાવાદથી દિલ્હી વચ્ચેની ટ્રેનોની સ્પીડ વધશે, જેનાથી મુસાફરોનો મુસાફરીનો સમય બે થી અઢી કલાક સુધી બચી જશે.

મુસાફરો અને વેપાર બંનેને ફાયદો

હાલમાં આ રૂટ પર ટ્રેનોની ઝડપની ક્ષમતા 110 કિમીની છે, જે વધારીને 130 કિમી કરવામાં આવશે. ટ્રેનોની સ્પીડ વધવાથી ટ્રેક જલ્દી ક્લિયર થશે, જેને કારણે રેલવે ભવિષ્યમાં વધુ ટ્રેનો દોડાવી શકશે. આ ઉપરાંત, માલગાડીઓની અવરજવર પણ ઝડપી બનતા લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે.

અદ્યતન ટેકનોલોજી-સુરક્ષાના પગલા

રેલવે વિભાગના PRO અજય સોલંકીના જણાવ્યા અનુસાર, અમદાવાદ-પાલનપુર સેક્શનમાં ટ્રેકની મજબૂતી વધારવા અને સિગ્નલિંગ અપગ્રેડેશનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેથી 130 કિમીની ગતિનું લક્ષ્ય હાંસલ કરી શકાય.

ટ્રેન વધુ ગતિએ સુરક્ષિત રીતે ટ્રેક બદલી શકે તે માટે જૂની સ્વીચોને બદલે નવી જાડી અને મજબૂત સ્વીચો નાખવામાં આવશે. મુસાફરોની મહત્તમ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટ્રેક પર 'ટ્રેન કોલાઈઝન એડવોઈડન્સ સિસ્ટમ' (Train Collision Avoidance System) પણ લગાવવામાં આવી રહી છે.

હાઈ-ટેક એન્જિનિયરિંગનો ઉપયોગ

ટ્રેકની ગુણવત્તા સુધારવા માટે કરજોડા-પાલનપુર વચ્ચે મેજર બ્રિજના એપ્રોચ પર 'જિયો સેલ' અને 'બ્લેન્કેટિંગ' જેવી આધુનિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રકારની ત્રિ-પરિમાણીય (3D) સંરચના છે, જે હાઈ-સ્પીડ ટ્રેનના વાઈબ્રેશન સામે ટ્રેકને મજબૂત સ્થિરતા પૂરી પાડે છે.

વધુમાં, ટ્રેક પરના જોખમી વળાંકોને સીધા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. વળાંકો ઓછા થવાથી હવે ટ્રેનોએ વળાંક પર સ્પીડ ઘટાડવી નહીં પડે, જેનાથી ઉચ્ચ ગતિ સતત જાળવી રાખવામાં મદદ મળશે.