Surat Udaipur Vande Bharat Express: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરને આખરે પોતાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. રેલવે મંત્રાલય દ્વારા સુરતથી રાજસ્થાનના પ્રખ્યાત લેક સિટી ઉદયપુર વચ્ચે અઠવાડિયામાં છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
અઠવાડિયામાં 6 દિવસ દોડશે, દર મંગળવારે બ્રેક
સુરતથી ઉદયપુર વચ્ચે આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે, જ્યારે દર મંગળવારે મેન્ટેનન્સ માટે આ ટ્રેનનું સંચાલન બંધ રાખવામાં આવશે. આ ટ્રેનની પ્રાથમિક મેન્ટેનન્સની સુવિધા સુરત ખાતે જ રાખવામાં આવી છે, જ્યારે ટ્રેનમાં વોટરિંગ (પાણી ભરવાની) સુવિધા વડોદરા અને અમદાવાદના અસારવા સ્ટેશન પર ઉપલબ્ધ રહેશે.
નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંપૂર્ણ સમયપત્રક
સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ અઠવાડિયામાં છ દિવસ દોડશે. રેલવ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ ટ્રેનનો સમય:
ટ્રેન નંબર 26903 (સુરતથી ઉદયપુર)
સુરત રેલવે સ્ટેશનથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે.
ટ્રેન નંબર 26904 (ઉદયપુરથી સુરત)
ઉદયપુરથી બપોરે 3:35 વાગ્યે ઉપડશે અને રાત્રીના 11:00 વાગ્યે સુરત પરત પહોંચશે.
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મહત્વના 9 સ્ટોપેજ
આ મુસાફરી દરમિયાન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગુજરાત અને રાજસ્થાન રાજ્યના વિવિધ 9 મહત્વપૂર્ણ સ્ટેશનો પર સ્ટોપેજ લેશે. જેમાં ગુજરાત રાજ્યના ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદના મણિનગર અને અસારવા, હિંમતનગર અને શામળાજી સ્ટેશન સામેલ છે. જ્યારે રાજસ્થાન રાજ્ય ડુંગરપુર અને ઝવેર રેલવે સ્ટેશન પર આ ટ્રેન ઊભી રહેશે.
8 કોચવાળી વંદે ભારત એક્સપ્રેસ ક્યારથી શરૂ થશે?
રેલવે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, આ ટ્રેન 8 કોચ (ડબ્બા) સાથે ટ્રેક પર દોડાવવામાં આવશે. આગામી પવિત્ર નવરાત્રિના તહેવારો શરૂ થાય તે પહેલાં જ આ ટ્રેનનું સંચાલન વિધિવત રીતે શરૂ કરી દેવાની પૂરી શક્યતા રહેલી છે. જેને કારણે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ તેમજ મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રેલવે વિભાગની આ મહત્વપૂર્ણ જાહેરાતના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી રાજસ્થાન ફરવા કે વ્યવસાય અર્થે જતા લોકોને સીધો મોટો ફાયદો થશે. આ ટ્રેનની મંજૂરી સાથે જ ગુજરાત રાજ્યને તેની છઠ્ઠી પ્રીમિયમ વંદે ભારત ટ્રેન પ્રાપ્ત થઈ છે. આ ટ્રેન શરૂ થવાથી સ્થાનિક વેપારીઓ, પ્રવાસીઓ અને રાજસ્થાન તરફ નિયમિત જતા મુસાફરો માટે સફર અત્યંત ઝડપી અને વધુ આરામદાયક બની રહેશે.
