અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં ભયંકર બેદરકારી, સેન્ડવીચમાંથી નીકળી જીવાત; AMCએ ફટકાર્યો દંડ

AMC આરોગ્ય વિભાગે હોટલના પરિસરનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 27 Apr 2026 09:02 AM (IST)Updated: Mon, 27 Apr 2026 09:02 AM (IST)
amc-fined-itc-narmada-hotel-over-insect-found-in-sandwich-in-ahmedabad
HIGHLIGHTS
  • ITC નર્મદા હોટલમાં મોટી બેદરકારી
  • ગ્રાહકની સેન્ડવીચમાં નીકળી જીવાત
  • AMC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો

Ahmedabad news: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અને શહેરની સૌથી આલીશાન તેમજ મોંઘી હોટલ ગણાતી ITC નર્મદામાં એક ગ્રાહકને અત્યંત કડવો અનુભવ થયો છે. અહીં એક ગ્રાહકે ઓર્ડર કરેલી સેન્ડવીચમાં જીવાત નીકળી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલે કાર્યવાહી કરતા AMC દ્વારા હોટલ ITC નર્મદાને દંડ ફટકારવામાં આવ્યો છે.

સેન્ડવીચમાંથી નીકળ્યું જીવતું જીવડું

પ્રાપ્ત માહિતી અનુસાર, ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકે સેન્ડવીચનો ઓર્ડર આપ્યો હતો. જોકે, જ્યારે સેન્ડવીચ પીરસવામાં આવી ત્યારે તેમાં એક જીવતું જીવાત જોવા મળ્યું. આ ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે તાત્કાલિક હોટલના સ્ટાફને બોલાવીને રજૂઆત કરી હતી. જોકે, હોટલ પ્રશાસન તરફથી સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો આક્ષેપ છે.

ગ્રાહકે AMC માં નોંધાવી ફરિયાદ 

બીજી તરફ, આ મામલે ગ્રાહકે કડક વલણ અપનાવતા ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદા વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) આરોગ્ય અને ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સાથે જ ગ્રાહકે આ સમગ્ર બનાવનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ ફાઈવ સ્ટાર હોટલની ફૂડ ક્વોલિટી અને કિચનના હાઈજીન પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

AMC આરોગ્ય વિભાગની કાર્યવાહી

આ ઘટના અંગે ડેપ્યુટી હેલ્થ ઓફિસર તેજસ શાહે જણાવ્યું કે, "એક નાગરિકે ફરિયાદ નોંધાવી હતી કે ITC હોટલમાં પીરસાયેલ સેન્ડવીચમાં એક નાની ઉડતી જીવાત જોવા મળી હતી. આ ગંભીર ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે AMC આરોગ્ય વિભાગ દ્વારા હોટલના પરિસરનું સઘન ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસના અંતે તંત્ર દ્વારા નોટિસ ફટકારી અને નિયમાનુસાર તેમની પાસેથી રૂ. 15,000 દંડ વસૂલવામાં આવ્યો છે."

લાયસન્સ-કિચન સ્વચ્છતા સંતોષકારક

જોકે, આરોગ્ય વિભાગની તપાસમાં કિચન અને અન્ય વ્યવસ્થા અંગે કેટલીક બાબતો સંતોષકારક પણ જોવા મળી હતી. અધિકારી તેજસ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન હોટલ પાસે માન્ય અને યોગ્ય FSSAI લાયસન્સ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત, હોટલનું પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ પણ સમય મર્યાદા મુજબ વેલિડ અને અપડેટેડ હતું.

ઇન્સ્પેક્શન ટીમે કિચનની કામગીરીની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. તેજસ શાહના જણાવ્યા અનુસાર, હોટલના કિચનમાં વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ યોગ્ય રીતે જાળવવામાં આવી રહી હતી, અને સામાન્ય સ્વચ્છતા તેમજ અન્ય ફરજિયાત ધોરણોનું પાલન સંતોષકારક જણાયું હતું. આમ છતાં, ગ્રાહકની સેન્ડવીચમાં જીવાત નીકળવાની બેદરકારી બદલ તંત્રએ કાર્યવાહી કરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફૂડ સેફ્ટી બાબતે કચાશ ચલાવી લેવામાં આવશે નહીં.