લોકશાહીના પર્વ પર કાળઝાળ ગરમીનું ગ્રહણઃ ગુજરાતમાં મતદાન વખતે અલગ-અલગ બનાવોમાં 3 લોકોના મોત

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને મતદાન દરમિયાન જ હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા. પરિવાર અને સમર્થકોમાં શોક.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 11:40 PM (IST)Updated: Sun, 26 Apr 2026 11:40 PM (IST)
scorching-heat-claims-3-lives-during-gujarat-local-body-polls-candidate-dies-of-heart-attack
પ્રતિકાત્મક તસવીર
HIGHLIGHTS
  • આણંદમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારી અચાનક ઢળી પડ્યો
  • પાટણમાં મત આપતી વખતે જ મહિલાને હ્રદયરોગનો હુમલો આવ્યો

Ahmedabad: ગુજરાતમાં આકાશમાંથી આગ વરસતી હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. આજે અંગદઝાડતી 44 ડિગ્રી ભીષણ ગરમી વચ્ચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતુ. જો કે આ મતદાન દરમિયાન રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં ગરમીના કારણે 3 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે.

પહેલો બનાવ જામનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાને મતદાન દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેમનું અવસાન થયું હતુ. આમ ચૂંટણીના જંગમાં ઉતરેલા ઉમેદવારનું અકાળે અવસાન થતાં તેમના પરિવાર તેમજ સમર્થકો આઘાતમાં સરી પડ્યા હતા.

બીજો બનાવ આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં પેટલાદ તાલુકાના સાંસેજ ગામમાં બુથ નંબર 1 પર ફરજ બજાવતા અમિત સોલંકી નામના કર્મચારીની અચાનક તબિયત લથડી હતી. જેથી તાત્કાલિક તેમને તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અમિત સોલંકીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

ત્રીજો બનાવ પાટણ જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં 65 વર્ષીય કમળાબેન સોલંકી નામની મહિલા પોતાના મતાધિકારનો ઉપયોય કરવા માટે બીએમ સ્કૂલના મતદાન મથક પર આવ્યા હતા. જ્યાં મત આપતી વખતે જ તેમને હ્રદય રોગનો હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા. પ્રથમિક તપાસમાં કમળાબેન પહેલાથી જ બીમાર હોવાનું માલૂમ પડ્યું છે.