Ahmedabad: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના નારણપુરા સ્થિત પોલિંગ બુથ પર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. આ સમયે અમિત શાહનો કંઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. રાજકીય વ્યસ્તતા અને મતદાનની ગરમાગરમી વચ્ચે પણ અમિત શાહે પોતાની રાહ જોઈ રહેલા એક યુવક માટે સમય ફાળવીને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.
હકીકતમાં અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા દર્શિત રાવલ નામનો કલાકાર યુવક આજે ખાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે તેમના મતદાન મથક પર આવી પહોંચ્યો હતો. આ સમયે દર્શિત પોતાની સાથે 'જયશ્રી રામ' લખેલું પેઈન્ટિંગ લઈને આવ્યો હતો.
મતદાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બહાર નીકળ્યા ત્યારે તેમની નજર દર્શિત રાવલના પેઈન્ટિંગ ઉપર પડી હતી. જેથી અમિત શાહ યુવકની નજીક આવ્યા અને પેઈન્ટિંગ પર વંદેમાતરમ લખવા સાથે પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને કલાકાર વચ્ચે ટૂંકો વાર્તાલાપ પણ થયો હતો.
આ અંગે દર્શિત રાવલે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીનું મતદાન મથક નારણપુરામાં હોવાથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળતા આજે સવારે 9 વાગ્યાથી હું મારું પેઈન્ટિંગ લઈને તેમને ભેટ આપવા માટે આવી પહોંચ્યો હતો.
આ પેઈન્ટિંગમાં મેં કલાત્મક રીતે 'જય શ્રી રામ' લખ્યું છે, જે ભારતીય સનાતન સંસ્કૃતિનું સિમ્બોલ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પેઈન્ટિંગ નિહાળ્યા બાદ તેના ઉપર વંદેમાતરમ લખીને પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. આ સમયે તેમણે મને પૂછ્યું હતું કે, તમે મતદાન કરીને આવ્યા છો?
