Surat: હર્ષ સંઘવીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, કહ્યું- કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધર્મ આધારિત બનાવે છે'

અલથાણમાં વિધર્મી દ્વારા સગીરાની છેડતીને લઈને હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈ દીકરીની છેડતીની ઘટનામાં રાજનીતિ ના હોય. સૌ જાણે જ છે કે, આ ઘટના પાછળ કોણ છે અને તેના વીડિયો પણ આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 04:11 PM (IST)Updated: Sun, 26 Apr 2026 04:11 PM (IST)
harsh-sanghavi-slams-opposition-amid-declining-voting-percentage-in-surat
HIGHLIGHTS
  • નાયબ મુખ્યમંત્રીએ પત્ની સાથે ઈચ્છાપોરના પોલિંગ બૂથ પર મતદાન કર્યું

Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં સવાર બાદ મતદારોનો ઉત્સાહ મંદ પડ્યો હોય તેમ મતદાન ઘટવા લાગ્યું છે. જેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરવાની સાથે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

સુરતના અલથાણમાં વિધર્મી દ્વારા સગીરાની છેડતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આવી ઘટનામાં કોઈ રાજનીતિ ના હોઈ શકે છે. સૌ કોઈ જાણે જ છે કે, આ ઘટના પાછળ કોણ છે અને તેના વીડિયો પણ સામે આવ્યા છે. અમે કડક કાર્યવાહી કરી છે અને આપ સૌ જાણો જ છો કે, અમે ગુનેગારોની કેવી હાલત કરીએ છીએ.

જમાલપુર ખાડિયાથી ચૂંટાયેલા કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયો તેમજ બુલડોઝરની કાર્યવાહીની વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરી છે.

જેને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે. મારે આપ સૌને એક જ વાત કહેવી છે કે, આજનો દિવસ લોકશાહીનો મહાપર્વ છે, ત્યારે સૌ કોઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્ની સાથે મતદાન કર્યું

અગાઉ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પત્ની પ્રાચી સાથે લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે ઈચ્છાપોર સ્થિત કેન્દ્રિય વિદ્યાલયમાં મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કર્યાં બાદ જણાવ્યું કે, આજે સવારથી જ શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. મજબૂત લોકશાહી, સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે મતદાન કરવું એ દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક અને પવિત્ર ફરજ છે.

લોકશાહીની સફળતાનો આધાર નાગરિકોની સક્રિય ભાગીદારી પર રહેલો છે, ત્યારે વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રત્યેક મતદારને તેમણે અપીલ કરી હતી.