Vadodara: તાંદલજામાં મતદાન બાદ યુસુફ પઠાણનું મોટું નિવેદન- 'જેમ બંગાળમાં TMC, તેમ ગુજરાતમાં ભાજપ રહેશે'

દરેકે પોતાનો મતાધિકાર વાપરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. લોકોએ એવા ઉમેદવારને મત આપવો જોઈએ જે હંમેશા જનતાની વચ્ચે રહેતા હોય અને તેમના પ્રશ્નોને સમજે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 03:38 PM (IST)Updated: Sun, 26 Apr 2026 03:38 PM (IST)
tmc-mp-yusuf-pathan-casts-vote-in-vadodara-says-people-vote-for-development-bjp-will-stay-in-gujarat
HIGHLIGHTS
  • ગુજરાતમાં વિકાસ થયો છે, લોકો વિકાસ જોઈને વોટ આપે છે
  • બંગાળમાં આવતા 40 થી 50 વર્ષ સુધી TMCની સરકાર નહીં જાય

Vadodara: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરામાં આજે હાઈપ્રોફાઈલ મતદાન જોવા મળ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે આજે વડોદરાના તાંદલજા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એક અત્યંત મહત્વનું અને રાજકીય રીતે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું.

તાંદલજામાં પરિવાર સાથે મતદાન

વહેલી સવારથી જ વડોદરાના વિવિધ બૂથો પર મતદારોની ભીડ જોવા મળી હતી. આ દરમિયાન યુસુફ પઠાણ તેમના પરિવારના સભ્યો સાથે તાંદલજા ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. તેમણે સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને પોતાનો મત આપ્યો હતો. પઠાણે આ તકે આંગળી પરનું શાહીનું નિશાન બતાવીને લોકોને લોકશાહીના આ પર્વમાં સામેલ થવા પ્રોત્સાહિત કર્યા હતા.

વિકાસ અને ભાજપ-TMC અંગે મોટું નિવેદન

મતદાન બાદ યુસુફ પઠાણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દરેકે પોતાનો મતાધિકાર વાપરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ. લોકોએ એવા ઉમેદવારને મત આપવો જોઈએ જે હંમેશા જનતાની વચ્ચે રહેતા હોય અને તેમના પ્રશ્નોને સમજે.

જોકે, સૌથી વધુ ધ્યાન ખેંચનારું તેમનું નિવેદન ગુજરાત અને બંગાળની રાજનીતિની સરખામણીનું હતું. યુસુફ પઠાણે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે, જેમ પશ્ચિમ બંગાળમાં TMC છે, તેમ ગુજરાતમાં ભાજપ રહેશે.

ગુજરાતમાં વિકાસ થયો છે અને લોકો હંમેશા વિકાસને જ પ્રાધાન્ય આપે છે. લોકો વિકાસ જોઈને જ વોટ કરે છે. આ સાથે જ તેમણે બંગાળ વિશે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, બંગાળમાં આવતા 40 થી 50 વર્ષ સુધી TMCની સરકાર નહીં જાય.

વિકાસના મુદ્દે સહમતિ

TMC ના સાંસદ હોવા છતાં, ગુજરાતમાં વિકાસના મુદ્દે તેમણે કરેલા હકારાત્મક નિવેદને રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચા છેડી છે. તેમણે ભાર પૂર્વક જણાવ્યું , વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જનતા તેને ધ્યાનમાં રાખીને જ પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે.

યુસુફ પઠાણની આ મુલાકાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો છે. એક તરફ પક્ષીય વિચારધારા અને બીજી તરફ વતન પ્રત્યેની લાગણી અને વિકાસની વાત, આ બંનેનો સમન્વય તેમના નિવેદનમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.