વડોદરા તાંદલજા પ્લોટ વિવાદ: હાઈકોર્ટના કડક વલણ બાદ સાંસદ યુસુફ પઠાણે અપીલ પરત ખેંચી, વ્યક્ત કરી દિલગીરી

યુસુફ પઠાણે અપીલ પરત ખેંચતા ન્યાયાધીશોએ સમગ્ર અરજીનો આખરી નિકાલ કરી દીધો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 01 Sep 2026 10:42 AM (IST)Updated: Tue, 01 Sep 2026 10:42 AM (IST)
vmc-tandalja-plot-encroachment-case-mp-yusuf-pathan-withdraws-appeal-vadodara
Yusuf Pathan VMC Tandalja Plot Case

Yusuf Pathan VMC Tandalja Plot Case: વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન ફાળવવાના લાંબા સમયથી ચાલતા વિવાદમાં પૂર્વ ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ તેમણે ડિવિઝન બેન્ચ સમક્ષ કરેલી અપીલ અંતે બિનશરતી પરત ખેંચી લીધી અને દિલગીરી પણ વ્યક્ત કરી છે.

ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓએ અપીલકર્તા પાસેથી જરૂરી સૂચનાઓ મેળવી લીધી છે, અને હવે તેઓ આ કાનૂની અપીલને આગળ વધારવા માંગતા નથી. સાંસદ યુસુફ પઠાણે અપીલ પરત ખેંચતા ન્યાયાધીશોએ આ સમગ્ર અરજીનો આખરી નિકાલ કરી દીધો છે.

આ સમગ્ર વિવાદ વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ પાસેના 978 ચોરસ મીટરના પ્લોટ સાથે જોડાયેલો છે. યુસુફ પઠાણે વર્ષ 2012માં આ જમીન મેળવવા માટે અરજી કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રિઝોલ્યુશન પસાર કરી માર્કેટ કિંમતે જમીન આપવાનો પ્રસ્તાવ કર્યો અને જનરલ બોડીએ પણ મંજૂરી આપી હતી.

ત્યારબાદ આ ફાઈલ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. જોકે, રાજ્ય સરકારે વર્ષ 2024માં આ જમીન ફાળવવાની અરજી સત્તાવાર રીતે રદ કરી દીધી હતી. બીજી તરફ, કોઈ અધિકૃત ફાળવણી પત્ર કે લીઝ ડીડ થયા વિના જ તે જગ્યાએ બાઉન્ડ્રી વોલ અને પશુઓ માટે શેડ બનાવી કબજો જમાવી દેવાયો હતો. VMCએ દબાણ દૂર કરવા નોટિસ આપતા મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.

અગાઉ સિંગલ બેન્ચે અવલોકન કર્યું કે, અરજદાર પાસે કાયદેસરનો ફાળવણી પત્ર ન હોવા છતાં કબજો જમાવવો એ સીધું દબાણ છે. સિંગલ જજના આ આદેશ સામે યુસુફ પઠાણે ડબલ બેન્ચમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે વર્ષ 1999 ની રાજ્ય સરકારની સ્પોર્ટ્સ પોલિસીનો હવાલો આપી દાવો કર્યો કે, આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે તેઓ આ જમીન મેળવવા હકદાર છે અને અગાઉ અન્ય ક્રિકેટરને પણ આ રીતે જમીન મળી ચૂકી છે.

આ દલીલ સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા સવાલો ઉઠાવ્યા કે, માત્ર સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ હોય અને કોઈ સત્તાવાર એલોટમેન્ટ જ ન થયું હોય તો કોઈપણ જાહેર હરાજી વગર અને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના પ્લોટ પર કબજો કેવી રીતે કરી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે, પારદર્શક પ્રક્રિયા વિના મનસ્વી રીતે પ્લોટ ફાળવી શકાય નહીં. અંતે યુસુફ પઠાણના વકીલે અપીલ બિનશરતી પાછી ખેંચી લીધી હતી.