Vadodara: પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના વિવાદાસ્પદ પ્લોટ સહિત મનપા દ્વારા 7 પ્લોટની હરાજીની તૈયારી

વડોદરા મહાનગરપાલિકાએ 7 પ્લોટની જાહેર હરાજીને મંજૂરી આપી છે, જેમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના કબ્જા હેઠળનો વિવાદાસ્પદ પ્લોટ પણ સામેલ છે. આ પ્લોટ પર ગેરકાયદેસર દબાણનો આરોપ છે અને હાઈકોર્ટે તેને ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જે હવે સામાન્ય સભાની મંજૂરી બાદ હરાજી માટે જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 20 Jun 2026 12:04 AM (IST)Updated: Sat, 20 Jun 2026 12:04 AM (IST)
vadodara-news-vmc-to-auction-7-plots-including-yusuf-pathans-disputed-land

પ્રશાંત ગજ્જર, Vadodara: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસલક્ષી કાર્યો અને મિલકતોના નિકાલ અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં વડોદરા મનપાની માલિકીના 7 પ્લોટની જાહેર હરાજી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે, જેમાં પૂર્વ ક્રિકેટર અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ દ્વારા ગેરકાયદેસર દબાણ હેઠળ રહેલો 978 ચો.મી.નો પ્લોટ પણ સામેલ છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જે પ્લોટ હરાજી માટે મૂકવામાં આવ્યા છે, તેમાં યુસુફ પઠાણના કબજા હેઠળનો તાંદલજા વિસ્તારનો પ્લોટ પણ છે. હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે, પરંતુ મનપા દ્વારા હવે વહીવટી પ્રક્રિયા આગળ ધપાવતા આ પ્લોટને સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. સામાન્ય સભાની અંતિમ મંજૂરી મળ્યા બાદ જ આ તમામ પ્લોટોની હરાજીની પ્રક્રિયા હાથ ધરાશે.


તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ પાસેનો આ 978 ચો.મી.નો પ્લોટ મૂળભૂત રીતે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે. વર્ષ 2012માં યુસુફ પઠાણે આ જમીનની માલિકી માટે અરજી કરી હતી, જેને મનપાએ મંજૂરી આપી હતી, પરંતુ પાછળથી રાજ્ય સરકાર દ્વારા આ મંજૂરી રદ કરવામાં આવી હતી. આ હોવા છતાં, પઠાણ દ્વારા ત્યાં બાઉન્ડ્રી વોલ બનાવી અને પશુઓ માટે શેડ ઉભો કરી દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો છે.

આ મામલે વડોદરા મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગત 8 જૂનના રોજ હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટરને આ પ્લોટ ખાલી કરવા આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટે ટકોર કરી હતી કે જો પ્લોટ ખાલી કરવામાં વિલંબ થશે, તો દંડની રકમમાં વધારો થશે.

હવે જ્યારે મનપાએ આ પ્લોટને હરાજીની યાદીમાં સામેલ કર્યો છે, ત્યારે આગામી દિવસોમાં સામાન્ય સભામાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનવાની શક્યતા છે. મનપાના આ કડક વલણથી સરકારી જમીનો પરના દબાણો હટાવવાની કામગીરી તેજ બની છે.