અમદાવાદના વિકાસને વેગ: આંબાવાડી અને પાલડીની ફેરફારિત TP સ્કીમને મંજૂરી, નાગરિકોને શું ફાયદો થશે?

આ અગાઉ, સરકારે આ વિસ્તારોની 68.17 હેક્ટર જમીનને ગ્રીન બેલ્ટમાંથી મુક્ત કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 07 Jun 2026 07:58 AM (IST)Updated: Sun, 07 Jun 2026 07:58 AM (IST)
ambawadi-and-paldi-modified-tp-scheme-approved-ahmedabad-development-news

Ambawadi-Paldi TP scheme: અમદાવાદ શહેરના વિકાસ અને બદલાતી સુવિધાઓને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે આંબાવાડી અને પાલડી વિસ્તારની ચોથી તથા પાંચમી ફેરફારિત ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમને સત્તાવાર મંજૂરી આપી છે.

આંબાવાડી અને પાલડી વિસ્તારમાં વર્ષો જૂની આ TP સ્કીમોમાં સ્થાનિક લોકોની જરૂરિયાત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાના-મોટા ફેરફારોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ અગાઉ, સરકારે આ જ વિસ્તારોની 68.17 હેક્ટર જમીનને ગ્રીન બેલ્ટમાંથી મુક્ત કરીને સામાન્ય ઉપયોગમાં પરિવર્તિત કરી હતી.

ફેરફારિત TP સ્કીમોથી શું ફાયદો થશે?

આ નવી મંજૂરી બાદ વિસ્તારમાં માળખાકીય સુવિધાનો મોટો વિકાસ થઈ શકશે.

  • રસ્તા પહોળા કરવા: વિસ્તારમાં સતત વધતા જતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે જૂના રસ્તાઓને વધુ પહોળા કરવાની મંજૂરી મળશે.
  • સર્કલ રીડીઝાઈન: અકસ્માત રોકવા અને ટ્રાફિકના સરળ અને સુરક્ષિત સંચાલન માટે ચાર રસ્તા કે સર્કલની નવી ડિઝાઈન તૈયાર કરી શકાશે.
  • નવા રસ્તાઓનું નિર્માણ: વિસ્તારો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે ઉપલબ્ધ જગ્યાનો સુચારુ ઉપયોગ કરીને તદ્દન નવા રસ્તાઓ પણ કાઢી શકાશે.
  • જાહેર સુવિધાનો વિકાસ: આ ફેરફારિત TP સ્કીમથી બાળકો માટે નવી સરકારી શાળા બનાવવા માટે પ્લોટ મળશે. અન્ય સામાજિક હેતુઓ માટે અનામત જમીનનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.

ઔડાની વિરોચનનગર-ખોરજ TP નામંજૂર

એક તરફ આંબાવાડી અને પાલડીના વિકાસનો રસ્તો સાફ થયો છે, તો બીજી તરફ ઔડા (AUDA) દ્વારા સાણંદના વિકાસ માટે બનાવવામાં આવેલી વિરોચનગર-ખોરજ TP સ્કીમને રાજ્ય સરકાર દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આ સ્કીમ મંજૂરી અર્થે રાજ્ય સરકારમાં મોકલવામાં આવી હતી, પરંતુ સરકારે તેમાં કેટલાક સુધારા સૂચવ્યા છે.

હવે રાજ્ય સરકારના આ સૂચનોને અનુરુપ ઔડા દ્વારા ફરીથી નવી TP સ્કીમ તૈયાર કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા તથા જરૂરી સુધારા પૂર્ણ થયા બાદ TP સ્કીમને ફરીથી આખરી મંજૂરી માટે રાજ્ય સરકાર સમક્ષ મોકલવામાં આવશે.