Motera Demolition: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશારામ બાપુના આશ્રમની નજીક આવેલા શિવનગરમાં આજે મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 37 આવાસોના નિયમ વિરુદ્ધ કરવામાં આવેલા બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતુ. આ સમયે સ્થાનિકોના આક્રોશના પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે સરકાર દ્વારા આવા પરિવારો માટે નવા આવાસ સાથે ભાડા સહાયની વ્યવસ્થા કરી છે.
શિવનગરના રહેવાસીઓએ સરકારી જમીન પર બાંધકામ કર્યું હતુ
હકીકતમાં આશારામ આશ્રમની બાજુમાં આવેલા શિવનગર વિસ્તારમાં સરકાર દ્વારા 37 પરિવારોને વર્ષો પહેલાં 50 ચો.વાર જમીન ફાળવવામાં આવી હતી. સનદની શરતો મુજબ લાભાર્થીઓને ફાળવેલી જમીનમાંથી 37.50 ચો.વાર વિસ્તારમાં જ બાંધકામ કરવાની મંજૂરી હતી અને 12.50 ચો.વાર જગ્યા ખુલ્લી રાખવાની હતી.
જો કે કેટલાક રહેવાસીઓ દ્વારા ફાળવેલી 50 ચો.વાર જમીન ઉપરાંતની સરકારી જમીન પર પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાબતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા નિયમસર નોટિસ આપવામાં આવી હતી. જે બાદ મામલો નામદાર હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો, જ્યાં હાઈકોર્ટ દ્વારા 50 ચો.વારથી વધુ જગ્યામાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અંગે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના આદેશના અનુસંધાને રહેવાસીઓને અનેક વખત જાણ કરવામાં આવી હતી. તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ દૂર ન થતાં આજે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
7 પરિવારે સરકારી સહાય સ્વીકારી આવાસ ખાલી કરી આપ્યા
મહત્વપૂર્ણ બાબત એ છે કે, સરકારે માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન માટે પણ સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. જાહેર હેતુ માટે જરૂરી બનેલી આ જમીનના બદલામાં શિવનગરના રહીશો તથા તેમના પુખ્તવયના સભ્યોને ચાંદખેડા ખાતે નવા આવાસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત નવા આવાસ તૈયાર ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પ્રતિમાસ રૂ. 10000 ભાડા સહાય આપવાની અથવા કેશવનગર, ચાંદખેડા ખાતે ઉપલબ્ધ આવાસોમાં કામચલાઉ વસવાટની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સરકારની આ પુનર્વસન યોજના પર વિશ્વાસ વ્યક્ત કરતાં અત્યાર સુધી 37માંથી 7 પરિવારો દ્વારા લાભ સ્વીકારી પોતાના આવાસ ખાલી કરી આપવામાં આવ્યા છે. અન્ય રહેવાસીઓને પણ આ લાભદાયી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
