Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, પવન સાથે રાજ્યભરમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિત અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, પાલનપુર અને સાબરકાંઠામાં ભારે વરસાદ થશે. જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડશે.
આગામી દિવસોમાં વરસાદની વધુ સિસ્ટમ સક્રિય થશે
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, આગામી 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ વરસશે. આ પછી, 13 થી 18 સપ્ટેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાંથી એક વધુ મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. આ સિસ્ટમ મજબૂત પવન સાથે આવવાની હોવાથી ખેતીના પાકને નુકસાન પહોંચાડી શકે છે. આ સિસ્ટમના કારણે મહીસાગર, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ભરૂચ, ખંભાત અને તારાપુરના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
આગામી સમયમાં કેટલાક વિસ્તારોમાં 3થી 6 ઇંચ અને કેટલાક વિસ્તારોમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. હવામાનની આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સુરક્ષિત રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.