Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સિઝનનો 98.85% વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. આ સ્થિતિ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
10 જિલ્લામાં મુશળધાર વરસાદની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી બે દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, કચ્છ અને જામનગરનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદની જરૂર છે અને આગામી દિવસોમાં ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે.
નદીઓ અને ડેમની સપાટી વધશે
ભારે વરસાદના પગલે સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત, નર્મદા નદીમાં નવા પાણીની આવક થવાથી સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થઈ શકે છે.
ગઈકાલના વરસાદની વિગતો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 168 મિમી (6.6 ઈંચ) વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બોટાદમાં 89 મિમી (3.5 ઈંચ), રાજકોટના પડધરીમાં 80 મિમી, સાબરકાંઠાના તલોદમાં 76 મિમી અને પોશીનામાં 72 મિમી વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ 38 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.