અંબાલાલ પટેલની આગાહી- 'મેઘરાજા વધુ એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે, 17 જુલાઈથી કોસ્ટલ એરિયામાં તૂટી પડશે ભારે વરસાદ'

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બંગાળના ઉપસાગરમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 15 થી 17 તારીખ સુધી ભારે તો 18 થી 20 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 15 Jul 2023 06:56 PM (IST)Updated: Sun 16 Jul 2023 07:45 AM (IST)
ambalal-patel-weather-forecast-heavy-rain-across-gujarat-form-17th-july-163417

Ambalal Patel Weather Forecast: એક તરફ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે એકંદરે વિરામ લેતા વાતાવરણમાં બફારો વધતા અસહ્ય ઉકળાટથી શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ વરસાદની તીવ્રતા ઘટી છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી છેક ઉત્તર બંગાળની ખાડી સુધી એક ટર્ફ રચાશે, જેના કારણે દેશના મધ્ય ભાગોમાં ભારે વરસાદ રહેશે. આગામી 17 થી 20 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે. ખાસ કરીને કોસ્ટલ એરિયામાં અત્યંત ભારે વરસાદ રહેશે.

આ 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર, બનાસકાંઠા, ડીસા, મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ડાંગ, સુરત, નવસારી સહિતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

આટલું જ નહીં, બંગાળના ઉપસાગરમાં રહેલ ડીપ ડિપ્રેશન આગામી 20-21 જુલાઈની આસપાસ ઓડિશાના દરિયા કાંઠે લેન્ડફોલ થશે. જેના કારણે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર થઈને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે.

18 જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે: હવામાન વિભાગ
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બંગાળના ઉપસાગરમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 15 થી 17 તારીખ સુધી ભારે તો 18 થી 20 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદના અત્યાર સુધીમાં 2 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યાં છે. હવે 18 જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. આ દરમિયાન વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.