અંબાલાલ પટેલની આગાહીઃ ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવશે, દિવાળી બાદ માવઠાની વકી

26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં પ્રચંડ ચક્રવાત સર્જાવાથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Oct 2025 08:54 PM (IST)Updated: Tue, 14 Oct 2025 08:54 PM (IST)
ambalal-patel-weather-forecast-agahi-unseasonal-rain-in-gujarat-after-diwali
HIGHLIGHTS
  • 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે
  • લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે

Ambalal Patel, Gujarat Weather Forecast: ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે અને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જેમાં વહેલી સવારે અને રાતે ફુલ ગુલાબી ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દિવાળી પછી ગુજરાતના વાતાવરણમાં વધુ એકવાર પલટો આવવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળી બાદ એટલે કે 26 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં પ્રચંડ ચક્રવાત સર્જાઈ શકે છે. આ વાવાઝોડાની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પણ અણધાર્યો પલટો આવી શકે છે. જ્યારે 7 થી 11 નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જેના પરિણામે ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જોવા મળી શકે છે.

ઠંડી અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, વહેલી સવારના પહોરમાં ઠંડીનો ચમકારો રહેશે અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જો કે બે દિવસ બાદ 17 અને 18 ઓક્ટોબરથી મહત્તમ તાપમાન વધી શકે છે.

જે બાદ ડિસેમ્બરની શરૂઆતથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવવાનું શરૂ થઈ શકે છે. જ્યારે 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. નવા વર્ષમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. આ વર્ષે ઠંડીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું થઈ શકે છે.

નવરાત્રિ બાદ દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વિલન બનશે
અગાઉ નવરાત્રિના તહેવારો દરમિયાન ચારેક નોરતા બાદ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જેના પગલે છેલ્લા ત્રણ થી ચાર નોરતા દરમિયાન ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદે ગરબા પ્રેમીઓની મજા બગાડી નાંખી હતી. જો કે હવે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ રંગમાં ભંગ પાડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 16 થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.