નવરાત્રી પર 'મેઘરાજા'નું સંકટઃ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હલચલથી છઠ્ઠા નોરતાથી હવામાન બદલાશે, દશેરા સુધી વરસાદની વકી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જેમાં હસ્ત નક્ષત્ર અને બંગાળની ખાડી-અરબ સાગરની ગતિવિધિને કારણે દશેરા સુધી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. આ વર્ષે અલ નીનોની અસરથી ગુજરાતમાં સરેરાશ 89.16% વરસાદ નોંધાયો છે, જેમાં ઝોન પ્રમાણે વરસાદમાં ભારે વિસંગતતા જોવા મળી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 27 Sep 2026 06:47 PM (IST)Updated: Sun, 27 Sep 2026 06:47 PM (IST)
ambalal-patel-rain-prediction-unseasonal-rain-alert-for-navratri-and-dussehra

Ambalal Patel Navratri Rain Prediction: સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે, તે સાથે જ ચોમાસાની સત્તાવાર વિદાયનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે 'અલ નીનો'ની અસરના કારણે ગુજરાતના અનેક ભાગોમાં ચોમાસામાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસ્યો. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં પલટાની આગાહી કરી છે. ખાસ કરીને નવરાત્રિના દિવસો દરમિયાન પણ વરસાદ પડી શકે છે.

હસ્ત નક્ષત્રમાં હવામાનમાં પલટો આવશે, ગાજવીજ સાથે વરસાદ પડી શકે

આ અંગે વિગતો આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી સૂર્ય હસ્ત નક્ષત્રમાં આવશે, તે સાથે જ વાદળો ઘેરાશે અને હવામાનમાં પલટો આવી શકે છે. ખેડૂતોની ભાષામાં કહીએ તો, હાથીયા (હસ્ત) નક્ષત્રનો પ્રારંભ થશે. ઘણી વખત હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે.

આગામી 5 ઓક્ટોબર સુધી હાથીયો કોઈ-કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના સરહદી ભાગોમાં હસ્ત નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને સાબરકાંઠાના ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ચાર જિલ્લાઓના કોઈ-કોઈ ભાગમાં ગાજવીજ સાથે ઝાપટું પડી શકે છે.

આ સિવાય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા ભાગોમાં હાથીયો ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે. એવું માનવામાં આવે છે કે, હસ્ત નક્ષત્રમાં જેમ હાથીયો ગાજે, તેમ આવતું વર્ષ વરસાદ માટે સારું ગણાય છે. એટલે કે આવતા વર્ષે સારો વરસાદ પડે, તેનું મનાય છે.

નવરાત્રિમાં પણ હવામાનમાં પલટો આવશે, દશેરા સુધી વરસાદ પડી શકે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 10 ઓક્ટોબરે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવશે, ત્યારે ચિત્રામાં પણ ઘણીવાર વરસાદ પડતો હોય છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં અને સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા જ ગરમી વધી શકે છે. જેમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આગામી 4 થી 8 ઓક્ટોબરમાં મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવી શકે છે, જ્યારે 10 ઓક્ટોબર બાદ અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના અલગ-અલગ ભાગોમાં જોવા મળી શકે છે.

ખાસ કરીને 11 ઓક્ટોબરથી નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ દિવસોમાં પણ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળી શકે છે. જેના પરિણામે નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે.

જો અલ નીનોની અસર ના નડે તો, પાંચમા નોરતાથી હવામાનમાં પલટો આવશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી કોઈ-કોઈ ભાગોામં વરસાદની શક્યતા રહેશે. એટલે કે નવરાત્રિના પર્વમાં વરસાદ વિલન બનતા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેમ બની શકે છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 89.16 ટકા વરસાદ નોંધાયો

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ચોમાસા દરમિયાન 100 ટકાથી વધારે વરસાદ ખાબકતો હતો. જો કે આ વર્ષે 'અલ નીનો'ની ઘાતક અસરના કારણે ધાર્યા પ્રમાણે વરસાદ નથી પડયો. ગુજરાતમાં સિઝનનો સરેરાશ 89.16 ટકા વરસાદ નોંધાયો છે. હજુ પણ રાજ્યમાં 323 મી.મી. વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

ખાસ વાત એ છે કે, આ વર્ષે ઝોન દીઠ વરસાદના પ્રમાણમાં પણ ભારે વિસંગતતા જોવા મળી છે. જો ઝોન પ્રમાણે વરસાદની વિગતો જોઈએ તો, એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં જ 100 ટકા કરતાં વધુ (114 ટકા) વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા કચ્છમાં માત્ર 57.60 ટકા જ વરસાદ પડ્યો છે.

એમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રમાં શરૂઆતના એકાદ બે સ્પેલમાં જ 100 ટકા વરસાદ પડી જતો હતો, ત્યાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યાં સુધીમાં માંડ 71 ટકા જેટલો જ વરસાદ પડતા સ્થિતિ ચિંતાજનક બની છે.