Bhavnagar Sir T Hospital Digital Payment: ભાવનગર શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સર તખ્તસિંહજી (સર ટી.) હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરવા તેમજ હોસ્પિટલમાં થતી ભીડ અને લાંબી કતારોમાં ઘટાડો કરવા ડિજિટલ સેવાઓને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે.
દર્દીઓ તથા તેમના સગા-સંબંધીઓને હોસ્પિટલ પરિસરમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવા તેમજ વિવિધ સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આધુનિક સુવિધાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે.
QR કોડ અને કાર્ડથી સરળતાથી ડિજિટલ પેમેન્ટ
સર ટી હોસ્પિટલમાં કેસ પેપર, યુઝર ચાર્જ તેમજ નિયમોનુસારના અન્ય યુઝર ચાર્જની ચુકવણી માટે હવે ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને રોકડ રકમ કે પરચૂરણની અગવડ ન પડે તે માટે QR કોડ (UPI) તેમજ કાર્ડ સ્વાઇપ દ્વારા સરળતાથી અને ઝડપી ચુકવણી કરી શકાશે.
આ સુવિધાના કારણે કેશ કાઉન્ટર પરની ભીડમાં ઘટાડો થવાની સાથે દર્દીઓનો સમય પણ બચશે. ટૂંક સમયમાં WhatsApp પર મળશે લેબ રિપોર્ટ સર ટી. હોસ્પિટલમાં દરરોજ આશરે 6,000 જેટલા લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે.
દર્દીઓને લેબ રિપોર્ટ મેળવવા માટે ફરીથી હોસ્પિટલની મુલાકાત લેવી ન પડે અને કાગળનો વપરાશ ઘટે તે હેતુથી લેબ રિપોર્ટ સીધા જ દર્દીના WhatsApp નંબર પર મોકલવાની સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.
આગામી 8 થી 10 દિવસમાં આ સુવિધા સંપૂર્ણપણે કાર્યરત થવાની શક્યતા છે. આ સેવા શરૂ થયા બાદ દર્દીઓ લાંબી કતારમાં ઊભા રહેવાની તથા માત્ર રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ આવવાની અગવડમાંથી મુક્ત થશે.
સર તખ્તસિંહજી હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સુવિધા, સમયની બચત અને આરોગ્ય સેવાઓને વધુ સરળ તથા ઝડપી બનાવવા માટે ડિજિટલ સેવાઓનો વ્યાપ સતત વધારવામાં આવી રહ્યો છે. આ પહેલથી સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ માટે આરોગ્યસેવાનો અનુભવ વધુ સુગમ બનશે.
