Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલે વરસાદ ખેંચાવાનું ખરૂં કારણ આપ્યું, શા માટે ગુજરાત પર 'મેઘરાજા' રિસાયા?

ગુજરાતમાં જુલાઈના અંતથી ચોમાસાને બ્રેક લાગી છે, સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. અંબાલાલ પટેલે પેસિફિક સિસ્ટમ અને અલનીનોને કારણભૂત ગણાવ્યા, સપ્ટેમ્બરમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 07:37 PM (IST)Updated: Mon, 24 Aug 2026 07:37 PM (IST)
ambalal-patel-rain-forecast

Ambalal Patel Rain Forecast: જુલાઈના અંત અને ઓગસ્ટના શરૂઆતના કેટલાક દિવસોને બાદ કરીએ તો, તે પછી ગુજરાતમાં ચોમાસાને બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે વિરામ લેતા તાપમાન પણ ઉચકાયું છે, તો કોઈ-કોઈ ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો બફારાથી અકળાઈ રહ્યા છે.

ઓગસ્ટના બીજા સપ્તાહથી જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું નબળું પડવા લાગ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો, ચોમાસાની પેટર્ન એકદમ અલગ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આ વર્ષે નહીવત વરસાદના કારણે દુષ્કાળની ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ખેંચાવા પાછળના કારણો સહિત આવનારા દિવસોમાં વરસાદ પડાવાની શક્યતાને લઈને મોટી આગાહી કરી છે.

બંગાળનો ઉપસાગર સક્રિય નહીં થાય, ત્યાં સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત

આ અંગે વિગતો આપતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ગુજરાતમાં વરસાદ ખેંચાવા અને અપેક્ષા પ્રમાણે વરસાદ ના પડવા પાછળ પેસિફિક મહાસાગર, ચીન અને જાપાનમાં બનેલી સિસ્ટમો જવાબદાર છે.

પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમોને કારણે ભારત તરફના દક્ષિણ બંગાળના ઉપસાગરના વહનનો ભેજ પેસિફિક મહાસાગર તરફ ખેંચાઈ રહ્યો છે. આ જ કારણસર બંગાળ ઉપસાગરની દક્ષિણ શાખા સક્રિય થતી નથી અને ગુજરાતમાં સારો વરસાદ આવી રહ્યો નથી.

બીજી તરફ બંગાળની ખાડીની ઉત્તરીય શાખા સક્રિય હોવાથી આસામ, પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વીય ભારત અને પૂર્વ મધ્ય પ્રદેશ તરફ વરસાદની સંભાવના રહેશે. . જ્યાં સુધી બંગાળની ખાડીની દક્ષિણ શાખા સક્રિય નહીં થાય, ત્યાં સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા નહિવત છે.

સૂકા પવનો અને અલનીનો ઘાતક અસરથી પશ્ચિમ બંગાળ કોરું

પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની ઘટ અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ન પડવા પાછળ ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી ઉપલા લેવલે આવતા સૂકા પવનો જવાબદાર છે, જે ભેજગ્રાહી નથી. બંગાળની ખાડીની શાખા સક્રિય થાય, ત્યારે પણ તે આ પવનોના વહનને પાછું ધકેલે છે, જેથી વરસાદ થતો નથી

આ ઉપરાંત પેરૂ ખાતે અલનીનો ઝોન (3.4 વિસ્તાર)નું દરિયાઈ તાપમાન લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું થવાની શક્યતા હોવાથી મજબૂત અલનીનો (El Nino) બનવાના એંધાણ છે. આ અલનીનોની અસર અને પેસિફિક તથા દક્ષિણ ચીન તરફ મોસમના પ્રવાહો ખેંચાઈ જવાને લીધે વરસાદ અટકી ગયો છે.


મઘા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે

વરસાદ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે કોઈ ભાગમાં વધુ વરસાદ પણ પડશે. હાલ મઘા નક્ષત્ર છે, જેનું વરસાદી પાણી સારું ગણાય છે. જો કે 31 ઓગસ્ટ બાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું પાણી સારું નથી ગણાતું. આથી આ નક્ષત્રમાં વરાપ (ઉઘાડ) થાય ત્યારે જ ખેડૂત ભાઈઓએ કૃષિ કાર્યો કરવા વધુ હિતાવહ રહેશે.

સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા

ખેડૂતોને રાહતના સમાચાર આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટના અંતમાં ખાસ કરીને 26 ઓગસ્ટની આસપાસ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જે દક્ષિણ બંગાળના ઉપસાગરને સક્રિય કરી શકે છે. આ સિસ્ટમના પરિણામે પેસિફિક મહાસાગરનો ભેજ ઓછો થશે અને ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસી શકે છે.

સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક બનતી સિસ્ટમ કારણે કદાચ અરબી સમુદ્ર પણ સક્રિય થઈ થઈ શકે. જેથી સપ્ટેમ્બરમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે.


ગુજરાતમાં હાલ 4 ટકા વરસાદની ઘટ, કચ્છ-સૌરાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક

22 ઓગસ્ટ સુધીના ગુજરાતમાં વરસાદના આંકડા જોઈએ તો, રાજ્યમાં 511.8 મી.મી. વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 534.4 મી.મી વરસાદ પડતો હોય છે, જેની સરખામણી હાલ 4 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો ઝોન પ્રમાણે જોઈએ તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં સ્થિતિ ગંભીર છે. આ રિજનમાં અત્યાર સુધી માત્ર 291.8 મી.મી જ વરસાદ નોંધાયો છે. જે સમાન્ય 402.6 મી.મીની સરખામણીએ 28 ટકાની મોટી અછત દર્શાવે છે.