Ambalal Patel Ni Agahi: ઉનાળાની શરૂઆતમાં એક પછી એક પશ્ચિમી વિક્ષોપના કારણે હવામાનમાં સતત ફેરફારો રહ્યા બાદ હવે ગરમી આકરા તેવર બતાવી રહી છે.
ગુજરાતના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જતાં આકાશમાંથી રીતસરના અગનગોળા વરસતા હોય તેવી અંગદઝાડતી ગરમી પડી રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમીનું આક્રમણ વધારે તીવ્ર બનવાની આગાહી કરી છે.
ગુજરાતના ક્યા-ક્યા ભાગોમાં ગરમીનો પ્રકોપ રહેશે
અંબાલા પટેલના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હવે આકરી ગરમી પડવાની છે. જેમાં મહત્તમ તાપમાન ઊંચકાઈને 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાલનપુર, પાટણ, સમી, હારીજ, હિંમતનગર, મહેસાણા, વાવ-થરાદના ભાગો ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને આણંદના ભાગો, પંચમહાલના ભાગો, સુરેન્દ્રનગરના પાટડી અને દસાડા જેવા ભાગોમાં ભારે ગરમી પડશે. જ્યાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. જ્યારે કોઈ-કોઈ ભાગોમાં પારો 45 ડિગ્રી સુધી પણ જવાની શક્યતા રહેશે.
પવનની દિશા બદલાતા 15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 15 મે બાદ પવનની દિશા બદલાતા ધીમે-ધીમે પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. ખાસ કરીને આગામી 18 થી 23 મે દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. જ્યારે અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં આંધી, વંટોળ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.
43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગ દ્વારા આગામી 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધીના પટ્ટામાં તીવ્ર ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોમાં પણ 7 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
જો વીતેલા 24 કલાકના તાપમાનના આંકડા પર નજર નાંખીએ તો, 43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ સિવાય વડોદરામાં મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી, રાજકોટમાં 42.8 ડિગ્રી તેમજ સુરતમાં 37.6 ડિગ્રી નોંધાયું છે.
