Ambalal Patel Rain Forecast: આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડું બેઠા બાદ ઓગસ્ટ મહિનામાં લાંબા મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ હતી. જો કે હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મેઘરાજા તોફાની બેટિંગ કરવાના મૂડમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગણેશોત્સવના પર્વમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવે પછી આવનારા નવરાત્રીના તહેવારો પણ પણ વરસાદની સંભાવના છે.
હસ્ત નક્ષત્ર અને નવરાત્રીમાં પણ વરસાદ પડશે
આ અંગે વિગતો આપતાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્ર (હાથીઓ) બેસતા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.
અત્યારે ગણેશોત્સવ શરૂ થયો, ત્યારથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. જ્યારે આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રીનો પર્વ પણ શરૂ થઈ રહ્યો છે. એવામાં જો 10 ઓક્ટોબર બાદ ઈન્ડિનય ઑશિયન ડાયપોલ સાનુકુળ રહે અને 'અલ નીનો' ના નડે, તો નવરાત્રીના દિવસો દરમિયાન પણ સારો વરસાદ પડી શકે છે. જેમાં અડધી નવરાત્રી બાદ છેક દશેરા સુધી મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે.
નવેમ્બર અને ડિસેમ્બરમાં સાયક્લોનની શક્યતા
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ઓક્ટોબર બાદ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોન (વાવાઝોડું) સર્જાવાની શક્યતા છે. ખાસ કરીને 18 નવેમ્બર બાદ બનનારા ચક્રવાતની ગતિ તીવ્ર હોઈ શકે છે. જો આ સાયક્લોન ઓમાન તરફ ના ફંટાય, તો અરબ સાગરના સર્જાયેલા લો પ્રેશરના કારણે નવેમ્બર મહિના પણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેશે.
આજે ગુજરાતના 224 તાલુકામાં વરસાદ
લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે રાજ્યના 224 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સિવાય આજે રાજ્યના 66 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ખેડૂતોની ચિંતા હળવી, ખેલૈયાઓની વધી
આ વર્ષે ચોમાસાના આગમન બાદ શરૂઆતના એકાદ-બે રાઉન્ડને બાદ કરીએ તો, ગુજરાતમાં અપેક્ષા કરતા ઓછો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની ઘટના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે છેલ્લી ઘડીના વરસાદી રાઉન્ડે મુરઝાઈ રહેલા કૃષિ પાકને નવજીવન આપતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
મોટાભાગે 15 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી તબક્કાવાર ચોમાસું વિદાય લેતું હોય છે. જે બાદ ધીમે-ધીમે વરસાદની તીવ્રતા ઘટી જતી હોય છે. જો કે આ વર્ષે નવરાત્રીના તહેવારો દરમિયાન પણ મેઘરાજા રમઝટ બોલાવશે તેવી શક્યતાને જોતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા જરૂર વધી ગઈ છે.
