Savarkundla News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણ અને ઉઘરાણીના નાણાં ફસાઈ જવાને કારણે માનસિક તણાવમાં આવેલા પિતાએ પોતાની જ 5 વર્ષની વ્હાલસોયી દીકરી હિમાંશીનું મોં દબાવી શ્વાસ રુંધી હત્યા કરી નાખી હતી. જે બાદ બાળકીના મૃતદેહને ઘરના ફ્રિજમાં મૂકી પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
અંતિમ પગલું ભરતા પહેલા પિતાએ લખેલી ત્રણ હ્રદયદ્રાવક ચિઠ્ઠીઓ હાથ લાગી છે. એક જ ઘરમાંથી પિતા અને પુત્રીના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અંગે હાડીડા ગામે રહેતા કિશોરભાઈ નાથાભાઈ ધાણકના પડોશી પ્રદીપભાઈ નરોત્તમભાઈ દેવગાણિયાએ જણાવ્યું હતું કે, સાંજના આશરે 7:00 વાગ્યાના સુમારે કિશોરભાઈના પત્ની મંજુબેને આવીને જણાવ્યું હતું કે, ઘરનો દરવાજો અંદરથી બંધ છે અને કોઈ ખોલતું નથી. જેથી સ્થાનિકોએ એકઠા થઈ સરપંચ નજુભાઈનો સંપર્ક કર્યો હતો.
સરપંચની હાજરીમાં દરવાજો તોડીને જોતાં કિશોરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા. ત્યારબાદ ઘરમાં શોધખોળ કરતાં ફ્રિજમાંથી માસૂમ હિમાંશીનો મૃતદેહ મળી આવતાં સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત પોલીસને જાણ કરાતાં પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
પોલીસને તપાસ દરમિયાન કિશોરભાઈ દ્વારા લખાયેલી 3 પાનાની સ્યુસાઇડ નોટ અને મોબાઈલ ફોન મળી આવ્યા છે. ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે, કામના બાકી નાણાં ન મળતા આર્થિક સંકટથી કંટાળીને તેઓ આ પગલું ભરી રહ્યા છે. પોતાના ગયા પછી દીકરી અનાથ બનીને દુનિયામાં દુઃખી ન થાય તે માટે તેને શ્વાસ રુંધીને મારી નાખી હોવાનો પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો.
મંજુ હું તારો ગુનેગાર, મને માફ કરી દેજો..
‘મંજુ, મેં જીવનમાં તારા પર વિશ્વાસ ન કર્યો અને બીજા પર કર્યો. તારી સોનાની બુટ્ટી પણ મેં વેચી નાખી, હું તારો ગુનેગાર છું. મારા કામના પૈસા મારા મહુવાના મિત્રએ ખોટા કર્યા. મેં મારા મિત્ર પર ભરોસો કર્યો પણ તેણે મારી સાથે દગો કર્યો. હાલ મને કોઈ સહકાર આપે તેમ નથી, માટે હું અને મારી દીકરી આત્મહત્યા કરી રહ્યા છીએ.
મારી દીકરીને મારી જેમ તમે લાડ ન લડાવી શકો, માટે હું મારી દીકરીને મારી સાથે લઈ જાઉં છું. મને ખરાબ સપનું સમજી ભૂલી જાજો અને બની શકે તો મને માફ કરી દેજો.’
3 વર્ષની કમાણી, સોનાની બુટ્ટી અને પર્સનલ લોન લઈને રોકેલા નાણાં ફસાઈ ગયા
મૃતકના પત્ની મંજુબેનના જણાવ્યા મુજબ, કિશોરભાઈ મહુવામાં મહમદભાઈ નામના વ્યક્તિની કન્સ્ટ્રક્શન સાઇટ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. છેલ્લા 3 વર્ષની કમાણીના એકસાથે મળેલા 7 લાખ તેમણે મહમદભાઈના કહેવાથી તે જ સાઇટ પર રોકી દીધા હતા.
આ ઉપરાંત 2 લાખની પર્સનલ લોન લઈને તથા સોનાની બુટ્ટી બેંકમાં મૂકીને નાણાં રોક્યા હતા. મહુવા ખાતે કરેલા કામના કુલ 7.25 લાખ જેટલી રકમ બાકી નીકળતી હોવા છતાં સામેવાળા તરફથી પૈસા ન ચૂકવાતા કિશોરભાઈ છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક તંગી અને માનસિક તણાવમાં સપડાયા હતા.
સાવરકુંડલા પોલીસે ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ, મોબાઈલ ફોન સહિતના પુરાવાઓ સીઝ કર્યા છે. મૃતકના પત્નીના નિવેદનના આધારે પોલીસે ગુનો દાખલ કરી જે વ્યક્તિ પાસે લાખોની ઉઘરાણી બાકી હતી તે તમામ દિશામાં અને નાણાકીય વ્યવહારો સંદર્ભે કાયદેસરની તપાસ તેજ કરી છે.
