Amreli News: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણથી કંટાળી એક પિતાએ પોતાની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો છે. ઘરમાંથી પિતા-પુત્રીની લાશ મળી આવતા નાના એવા હાડીડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પત્નીએ સરપંચની મદદથી દરવાજો ખોલ્યો તો પતિની લાશ લટકતી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બાંધકામ સાઈટ પર સુપરવાઈઝર તરીકે કામ કરતાં કિશોર ધાણક હાડીડા ગામમાં ભાડાના ઘરમાં રહેતા હતા. ગઈકાલે કિશોર ધાણક પૈસાની ઉઘરાણી માટે મહુવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.
સાંજના સમયે કિશોર ધાણકના પત્ની મંજુબેન ઘરે આવ્યા, ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં કોઈ પ્રતિસાદ ના મળતા મંજુબેને ગામના સરપંચ અને ગ્રામજનોની મદદથી દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે સામે જ પતિ કિશોર ધાણક ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
સ્યુસાઈડ નોટમાં પૈસાની લેવડ-દેવડથી પગલું ભર્યું
મૃતક કિશોર ધાણકે હાથ-પગમાં મોજા પહેરેલા હતા, જ્યારે તેમનું મોંઢુ સફેદ કપડાથી ઢાંકી દેવામાં આવ્યું હતુ. રૂમમાં તપાસ કરતાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પૈસાની લેવડ-દેવડના કારણે આત્યંતિક પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ પોતાના મૃત્યુ પછી પાંચ વર્ષની દીકરી હિમાંશી ઉર્ફે નિકુ દુઃખી ના થાય તે માટે તેને પણ શ્વાસ રુંધીને મોતને ઘાટ ઉતાર્યા બાદ મૃતદેહને ફ્રીજમાં મૂક્યો હોવાનું જણાવ્યું હતુ.
દીકરીના મૃતદેહને ફ્રીજમાં ગલગોટાનો હાર પહેરાવીને બેસાડ્યો હતો
જે બાદ ફ્રીજ ખોલતા હિમાંશી અંદર સમાધિ અપાઈ હોય તેવી હાલતમાં બેઠેલી જણાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જેમાં હિમાંશીના મૃતદેહને ફ્રીજમાં આસન પર બેસાડી હતી અને તે ઢળી ના પડે, તે માટે તેની આસપાસ ઓશિકા ગોઠવવામાં આવ્યા હતા. તેમજ દીકરીને ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને માથે ચુંદડી ઓઢાડવામાં આવી હતી.
હાલ તો આ સમગ્ર મામલે સાવરકુંડલ રુરલ પોલીસે મૃતકના પત્ની મંજુબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-1789655975304_m.webp)