Gujarat Rain Update: ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યા બાદ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. જો કે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં જઈને નબળી પડી જવાથી સોમવાર બાદ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતમાંથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સિસ્ટમ પાછી ગુજરાત તરફ આવતા આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે રાજ્યના 72 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
4 તાલુકામાં 1 ઈંચથી વધુ, દ્વારકાના ઓખામાં પોણા 3 ઈંચ ધોધમાર ખાબક્યો
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાતના 72 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના માત્ર 4 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય 68 તાલુકામાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ પડ્યા છે.
આજે સૌથી વધુ 71 મી.મી (2.8 ઈંચ) વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા તાલુકામાં ખાબક્યો છે. એમાં પણ સવારે 10 થી બપોરે 2 વાગ્યા દરમિયાન ગાજવીજ સાથે અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય પાટણ જિલ્લાના રાધનપુરમાં 33 મી.મી (1.3 ઈંચ), નવસારીના ખેરગામમાં 31 મી.મી (1.2 ઈંચ) તેમજ મોરબીના વાંકાનેરમાં 30 મી.મી (1.1 ઈંચ) વરસાદ વરસ્યો છે.
જ્યારે વાવ-થરાદના ભાભરમાં 17 મી.મી., બનાસકાંઠાના કાંકરેજમાં 14 મી.મી., છોટા ઉદેપુરના ક્વાંટમાં 13 મી.મી., રાજકોટના ધોરાજીમાં 12 મી.મી., દ્વારકાના ખંભાળિયામાં 12 મી.મી., પંચમહાલના શહેરામાં 12 મી.મી. વરસાદ પડ્યો છે.
ખાસ રાહતની વાત એ છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન દ્વારકા જિલ્લો મુખ્યત્વે કોરો જ રહ્યો છે. દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટથી દુષ્કાળની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને પાક નુકસાનીની ભીતિએ ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીર છવાઈ હતી. જો કે મેઘરાજાએ છેલ્લા રાઉન્ડમાં દ્વારકા જિલ્લામાં હેત વરસાવીને ખેડૂતોની લાજ રાખી લીધી છે.
અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં પણ આખો દિવસ તડકો રહ્યા બાદ સાંજના સમયે વાદળો ઘેરાયા હતા. વાદળો અને તડકાની સંતાકૂકડી વચ્ચે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એકાએક જોરદાર ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
