Ghundiraj Ganesh Temple Vadodara: વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલું અને ‘શ્રી મૈરાળ ગણપતિ મંદિર’ તરીકે જાણીતું 256 વર્ષ પ્રાચીન ઘૂંડીરાજ ગણેશ મંદિર આસ્થા, સંસ્કૃતિ અને સ્થાપત્યકલાનો અનોખો સંગમ છે.
મરાઠા શાસનકાળ દરમિયાન ગાયકવાડ દરબારના પૂર્વ દીવાન સ્વ. ગોપાલરાવ મૈરાળ દ્વારા આ ભવ્ય બે માળના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હેમાડપંથી શૈલીમાં કંડારાયેલું આ મંદિર મહારાષ્ટ્રીયન, ગુજરાતી અને રાજસ્થાની સ્થાપત્યશૈલીનું અદભુત મિશ્રણ રજૂ કરે છે. આ મંદિરની સ્થાપત્ય સમૃદ્ધિની નોંધ વર્ષ 1989માં અમેરિકાથી પ્રકાશિત થયેલા ‘હવેલી’ નામના પુસ્તકમાં પણ કરવામાં આવી છે.
આ ધાર્મિક સ્થળ તેની કેટલીક દુર્લભ પરંપરાઓ અને વિશિષ્ટતાઓ માટે વિશેષ મહાત્મ્ય ધરાવે છે. સામાન્ય રીતે શિવમંદિરોમાં શિવલિંગ સામે નંદીની મૂર્તિ જોવા મળે છે, પરંતુ સમગ્ર વડોદરામાં આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન ગણેશની સામે તેમના પ્રિય વાહન મૂષકરાજની સ્થાપના કરવામાં આવી છે.
અહીં રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભ સહિત સમગ્ર ગણેશ પરિવાર વિરાજમાન છે. આ ઉપરાંત, દરરોજ સાંજની આરતી સમયે ગુરવ પરિવાર દ્વારા શરણાઈ અને ચૌઘડિયા વાજિંત્ર વગાડવાની પ્રાચીન પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધાપૂર્વક જાળવી રાખવામાં આવી છે.
મંદિર સાથે જોડાયેલું એક સૌથી મોટું આકર્ષણ તેનો અપ્રાપ્ય ખજાનો અને લોકવાયકાઓ છે. મંદિર પરિસરમાં એક પ્રાચીન ભોંયરું આવેલું છે, જેમાં આજ દિન સુધી કોઈ વ્યક્તિ પ્રવેશ કરી શકી નથી. સ્થાનિક માન્યતાઓ મુજબ આ રહસ્યમય ભોંયરામાં કરોડો રૂપિયાની કિંમતનો પૌરાણિક ખજાનો સુરક્ષિત પડેલો છે.
દાનવીર અને ગણેશભક્ત સ્વ. ગોપાલરાવ મૈરાળે તત્કાલીન રાજવી ખંડેરાવ ગાયકવાડને તે સમયે નવ કરોડ રૂપિયાનું સોના-ચાંદી અને સિક્કાઓનું દાન આપ્યું હતું, તેમજ વડોદરા, મુંબઈ અને શિનોર સહિત દેશભરમાં ૨૧ જેટલાં ગણેશ મંદિરોની સ્થાપના કરી હતી.
પરિસરની અંદર આવેલું મહાદેવનું મંદિર અને લક્ષ્મી-કુબેરજીનું મંદિર પણ ભક્તો માટે ગાઢ આસ્થાનું કેન્દ્ર છે. મંદિરની દીવાલો પર રાજા રવિ વર્માની કલાશૈલીની યાદ અપાવતા સંગીતમય રાગમાલાના મનોહર ચિત્રો દોરવામાં આવ્યા છે, જે ભારતીય ચિત્રકળાની સમૃદ્ધિ દર્શાવે છે.
હાલ મૈરાળ પરિવારની ત્રીજી પેઢી આ પૌરાણિક મંદિરનું સંચાલન કરી રહી છે અને દર મંગળવારે તથા ગણેશ ઉત્સવ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે ઉમટી પડે છે.
