Rajkot Road Accident: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં અનેક નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આવા જ વધુ એક બનાવમાં એક પરિવારને પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.
પરમ દિવસે કાગદડીના પાટીયા પાસે ચા પીવા માટે નીકળેલા વછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મોત નીપજ્યું હતુ. એવામાં ગઈકાલે રાતે કુવાડવા નજીક માલિયાસણ પાસે ડમ્પરેની ઠોકરે મોપેડ ચડી જતાં ચુનારાવાડના યુવકનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ચુનારાવાડ શેરી નં.7માં રહેતો મહેશ બોળીયા (30) નામનો યુવક ગઈકાલે રાતે સાડા 10 વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર રાજકોટથી કુવાડવા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયામ માલિયાસણ પાસે પહોંચતા જ ડમ્પરે મોપેડને ઉલાળતા મહેશ ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાયો હતો. આ સાથે જ ડમ્પરના તોતિંગ ટાયરો નીચે આવીને યુવકનું માથું છુંદાઈ ગયું હતુ. આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.
આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહેશ બોળીયા કારખાનામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
મહેશના એક મિત્રની રિક્ષા કુવાડવા પાસે બંધ પડી ગઈ હતી. આથી મિત્રનો ફોન આવતા મહેશ મદદ કરવા માટે મોપેડ લઈને કુવાડવા જવા નીકળ્યો હતો. આ દરમિયામ માલિયાસણ પાસે તેને કાળનો ભેટો થઈ ગયો હતો. મહેશના અકાળે અવસાનથી એક દીકરો અને બે દીકરી સહિત ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
