અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, 19 એપ્રિલથી હવામાનમાં પલટો આવશે

21 એપ્રિલ સુધી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ, કરા પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં પવનની ગતિ વધારે રહેશે અને તાપમાન ઘટશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 17 Apr 2026 09:19 PM (IST)Updated: Fri, 17 Apr 2026 09:19 PM (IST)
ambalal-patel-ni-aagahi-pre-monsoon-activity-in-gujarat-from-april-19-amid-heatwave
HIGHLIGHTS
  • 3 દિવસ સુધી 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
  • 24 એપ્રિલથી મહત્તમ તાપમાન ઊંચકાતા ગરમી જોર પકડશે

Ambalal Patel Ni Aagahi: છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા હોય તેમ ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને આસપાસ રહેતા લોકો ગરમી અને અકળામણથી તોબા પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે અને હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ આકરી ગરમીની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે. જેમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 19 થી 21 એપ્રિલ સુધી દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આ 3 દિવસ દરમિયાન પવનની ગતિ થોડી વધારે રહેશે. જેમાં કેટલાક ભાગોમાં 40 થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે મહત્તમ તાપમાન પણ ઘટીને 38 થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

26 એપ્રિલથી ગરમી જોર પકડશે

હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાત અલગ-અલગ ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેમાં બોટાદ, મહીસાગર, ભરૂચ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના હવામાનમાં પલટો જોવા મળી શકે છે.

આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ સમગ્ર જિલ્લામાં નહીં હોય, પરંતુ છૂટાછવાયા ભાગોમાં પડશે. તેમજ કોઈ-કોઈ ભાગોમાં ગાજવીજ થશે, તો કેટલાક ભાગોમાં કરા પણ પડી શકે છે.

જે બાદ 24 એપ્રિલથી ધીમે-ધીમે ફરીથી મહત્તમ તાપમાન ઊંચકાશે અને 26 એપ્રિલથી ગરમી જોર પકડશે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં ગુજરાતનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જો કે રાજ્યના જે ભાગોમાં વાદળ આવશે, ત્યાં ગરમીમાં વધઘટ જોવા મળશે. તેમજ દરિયા કાંઠે ભેજનું પ્રમાણ વધારે રહી શકે છે.