Ambalal Patel Weather Forecast: ગુજરાત ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ વધી જતાં ગત સપ્તાહે સમગ્ર રાજ્યને બાનમાં લેનારા મેઘરાજાએ છેલ્લા ચારેક દિવસથી આરામના મૂડમાં જતા રહ્યા છે. વરસાદનું જોર ઘટતાની સાથે જ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન ઉચકાયું છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને મોટી આગાહી કરી છે.
5 ઓગસ્ટથી વાદળવાયુ આવતા ગુજરાતના હવામાનમાં પલટાની શક્યતા
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, અત્યારે પવનની ગતિ રહેશે. 5 ઓગસ્ટથી વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. જેની અસરના ભાગરૂપે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.
બંગાળના ઉપસાગરનો ભેજ તેમજ અરબ સાગરનો ભેજ મોટાભાગે ઉત્તર ભારત તરફ જશે. જેના પરિણામે ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદી વાદળોનો જમાવડો થશે. જેની અસરથી 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા રહશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ગત 3 ઓગસ્ટથી આશ્લેસા નક્ષત્રમાં બિરાજમાન સૂર્યદેવ 17 ઓગસ્ટ સુધી ત્યાંજ રહેશે. આ નક્ષત્રમાં મોટાફોરાનો વરસાદ થતો હોય છે. આશ્લેસા નક્ષત્રની ખાસ વાત એ છે કે, એકવાર આ નક્ષત્રમાં વરસાદ શરૂ થઈ જાય, તો સતત ભારે વરસાદ પડતો હોય છે.
અનેક ખેડૂત ભાઈઓ મઘા નક્ષત્રના વરસાદની રાહ જોઈને બેઠા છે, ત્યારે 18 ઓગસ્ટથી સૂર્યદેવ મઘા નક્ષત્રમાં આવશે. આ મઘા નક્ષત્રમાં પણ 23 ઓગસ્ટ પછી ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે.
આવી જ રીતે સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડિયન ઓશિયન ડાયપોલ (IOD) પોઝિટિવ રહેતા સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવા મહિનામાં પણ અંબાજીના ડુંગરાળ પ્રદેશ, તેમજ ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને 12 સપ્ટેમ્બરની આસપાસ તોફાની પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડશે.
