Passport Verification Gujarat: પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા મહત્ત્વની જાહેરાત, હવે અરજદારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી

પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે, અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 04 Aug 2026 03:52 PM (IST)Updated: Tue, 04 Aug 2026 03:52 PM (IST)
gandhinagar-news-no-need-to-visit-police-station-for-passport-verification

Gandhinagar: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને (Passport Verification Gujarat) વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.

પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.