Ahmedabad Illegal drug business: ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર અને બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલા વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ દવાઓ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત આશરે રૂ. 40 લાખથી વધુ થાય છે.
અમદાવાદમાં પરવાનગી વગર ચાલતો દવાનો ધંધો
આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદમાં આવેલા મનહરનગર શોપિંગ સેન્ટરના E-24ના પ્રથમ માળે આવેલી દુકાનમાં તપાસ કરવામાં આવી હતી.

મનહરનગર શોપિંગ સેન્ટરમાં મળ્યો દવાનો જથ્થો
આ પણ વાંચો
અહીં ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરેલો જથ્થો મળી આવ્યો હતો. વધુમાં ધર્મેશભાઈની સઘન તપાસ કરતા તેઓ મેડિકેસસેલિસ હેલ્થ કેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક, નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા. પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથીક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો.
રૂ. 40 લાખથી વધુની દવાનો જથ્થો જપ્ત
આથી સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ 6 દવાના નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. 40 લાખની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
