Gujarat ATS: તાજેતરમાં ગુજરાત ATS દ્વારા ગાંધીગનર અને બનાસકાંઠા જિલ્લામાંથી કુલ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય પાસેથી ઘાતક રાઈઝીન ઝેર અને હથિયારો મળી આવ્યા હતા. જે બાદ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ ત્રણેય આતંકી કોઈ મોટો હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યા હતા.
ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાતમાંથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓના આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ને સોંપવામાં આવ્યો છે. હવેથી આ કેસમાં તપાસ NIA અમદાવાદ યુનિટ દ્વારા કરવામાં આવશે. જે દરમિયાન આ આતંકી નેટવર્ક વિશે વધુ માહિતી મેળવવામાં આવશે.
શું હતો આતંકવાદીઓનો પ્લાન?
આ આતંકીઓનો પ્લાન સાયનાઈડ કરતાં પણ વધારે ખતરનાક ઝેર બનાવવાનો હતો. મુખ્ય આરોપીઓમાંનો એક ડોક્ટર સૈયદ (સૈયદ અહેમદ મોઈદૂન), ફંડ મેળવીને મોટા હુમલાની ફિરાકમાં હતો. કોઈ હુમલાને અંજામ આપે તે પહેલા જ અડાલજ નજીકથી તેમને દબોચી લેવામાં સફળતા મળી છે. આરોપી ડોક્ટર સૈયદ 35 વર્ષનો છે, અને તેણે ચીનથી MBBS નો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: બોપલમાં યુવકની ઘાતકી હત્યા, માસીયાઈ ભાઈએ છરીના આડેધડ ઘા ઝીંકીને રહેંસી નાંખ્યો
આતંકી ISKP સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ
ડોક્ટર સૈયદ અબુ ખદીજા નામના આરોપીના સંપર્કમાં હતો. આરોપી સૈયદ અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું પણ અનુમાન છે. આ આતંકીઓ 6 નવેમ્બરની રાત્રે ગુજરાતમાં હથિયારોની આપલે કરવાના ઇરાદે આવ્યા હતા. તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું પણ ઘડ્યું હતું. આરોપી ડોક્ટર સૈયદના ફોનમાંથી ઘણી માહિતી મળી આવી છે.
આતંકી રાઈઝીન નામનું ઝેર બનાવતો
સૈયદની પૂછપરછમાં મોટો ખુલાસો થયો કે તેણે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપી આઝાદ સુલેમાન અને સોહિલ (મોહમ્મદ સલીમ ખાન) પાસેથી રાજસ્થાનના હનુમાનગઢી ખાતેથી વસ્તુ મેળવી હતી. આઝાદ અને સોહિલ પણ મુખ્ય આરોપીઓમાં સામેલ છે. સૈયદ હૈદરાબાદ પરત જઈને રાઈઝીન નામનું એક અત્યંત શક્તિશાળી ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો.
