Ahmedabad Crime News: શહેરના બોપલ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં નજીવી બાબતે યુવકને તેના જ માસીયાઈ ભાઈએ ધારદાર છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના બોપલ વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી હોવાના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાંથી પોલીસે હત્યારાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ રામુ કુશવાહા તરીકે થઈ છે, જ્યારે હત્યારો વિષ્ણુ કુશવાહા છે. આ બન્ને સબંધે માસીયાઈ ભાઈ થતા હતા અને તેઓ અમદાવાદમાં રહીને કલર કામ કરતાં હતા.
ગઈકાલે સાંજના સમયે બન્ને ભાઈઓ ઘરે હતા, ત્યારે જમવાની બાબતે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા વિષ્ણુ કુશવાહા રસોડામાંથી છરી લઈને આવ્યો હતો અને માસીયાઈ ભાઈ રામુ પર તૂટી પડ્યો હતો. વિષ્ણુએ ખુન્નસથી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકતા રામુ ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો. વધુ પડતું લોહી વહી જવાના કારણે રામુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
હાલ તો પોલીસે રામુ કુશવાહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જ્યારે હત્યારા વિષ્ણુ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે.
